ચીન અને પાકિસ્તાનમાં તાલીમ લીધા બાદ મુંબઈમાં ફરી રહ્યો હોવાની જાણ થયા બાદ તપાસ કરતાં મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી
ફાઇલ તસવીર
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ મુંબઈ પોલીસને બે દિવસ પહેલાં ઇન્દોરના રહેવાસી તથા ચીન અને પાકિસ્તાનમાં તાલીમ લીધેલા શંકાસ્પદ આતંકવાદીની માહિતી આપી હતી. તેને ઇન્દોરમાંથી ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ સહિતની તપાસ એજન્સીઓએ સઘન તપાસ કર્યા બાદ શંકાસ્પદ આતંકવાદીને તાબામાં લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા એનઆઇએએ મુંબઈ પોલીસને જેની માહિતી આપી હતી તે ઇન્દોરના રહેવાસી સરફરાઝ મેમનને મુંબઈમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. એનઆઇએએ આ આતંકવાદીના આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટની વિગતો આપી હતી. એના આધારે પોલીસે સઘન તપાસ કર્યા બાદ તે હાથ લાગ્યો હતો. શંકાસ્પદ આતંકવાદી ઈન્દોરમાં હોવાની માહિતી મળ્યા બાદ મધ્ય પ્રદેશ પોલીસે તેને સોમવારે મોડી રાત્રે ઝડપી લીધો હતો.
ADVERTISEMENT
બે દિવસ પહેલાં એનઆઇએએ મુંબઈ પોલીસને એક ઈ-મેઇલ મોકલી હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે ચીન અને પાક્સ્તિાનની સાથે હૉન્ગકૉન્ગમાં તાલીમ લીધેલો એક ખતરનાક આતંકવાદી મુંબઈમાં ફરી રહ્યો છે. સરફરાઝ મેમન નામનો આ શંકાસ્પદ આતંકવાદી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરનો રહેવાસી છે. મુંબઈને ફરી નિશાન બનાવવાના ઇરાદે તે અહીં આવ્યો છે. આથી આ આતંકવાદીને શોધવા માટે ઑપરેશન કરવામાં આવે અને મહત્ત્વનાં સ્થળોએ સિક્યૉરિટી વધારી દેવામાં આવે.
એનઆઇએની માહિતી મળ્યા બાદ સોમવારથી મુંબઈ પોલીસ અલર્ટ મોડમાં આવી ગઈ હતી અને તેને શોધવા માટે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તે હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ હવે આ શંકાસ્પદ આતંકવાદીની પૂછપરછ કરી રહી છે. ઇન્દોર પોલીસની પૂછપરછ બાદ મહારાષ્ટ્ર એટીએસ તેની પૂછપરછ કરશે.