હજી બે દિવસ મુંબઈમાં કમોસમી વરસાદની શક્યતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગુરુવારે રાતે અને ગઈ કાલે સવારે ભરશિયાળે અચાનક હળવો વરસાદ પડતાં લોકો ચોંકી ઊઠ્યા હતા. હવામાન ખાતાએ આજે અને આવતી કાલે પણ મુંબઈ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુરુવારે રાતે અને ગઈ કાલે સવારે મુંબઈના કુર્લા, મહાલક્ષ્મી, બોરીવલી, કાંદિવલી અને બાંદરા સહિતના વિસ્તારોમાં તો થાણે, ડોમ્બિવલી અને બદલાપુરમાં કમોસમી વરસાદ પડવાની સાથે આકાશ વાદળોથી છવાયેલું રહ્યું હતું. વેધશાળાના વેસ્ટર્ન રીજનના ડેપ્યુટી ડિરેક્ટર કે. એસ. હોસલીકરે જણાવ્યું હતું કે ‘મુંબઈમાં ગઈ કાલે સવારે આકાશમાં વાદળાં છવાઈ ગયાં હતાં અને કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાઈ પટ્ટામાં હવાનું હળવું દબાણ સર્જાતાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.’
સાંતાક્રુઝ અને કોલાબામાં ૦.૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝમાં મિનિમમ તાપમાન ૨૩.૪ અને કોલાબામાં ૨૩ ડિગ્રી નોંધાયું હતું, જે અનુક્રમે ૫.૯ ડિગ્રી અને ૩.૪ ડિગ્રી નૉર્મલ કરતાં વધારે છે.

