તાતા ટ્રસ્ટના ચૅરમૅન નોએલ તાતાએ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી
તાતા ટ્રસ્ટના ચૅરમૅન નોએલ તાતાએ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી
નોએલ તાતાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી
તાતા ટ્રસ્ટના ચૅરમૅન નોએલ તાતાએ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને નવી સરકાર રચવા બદલ તેમને અભિનંદન પણ આપ્યાં હતાં. દેવેન્દ્ર ફડણવીસે આ મુલાકાત બાદ ટ્વીટ કરતાં લખ્યું હતું કે અમે આ મુલાકાતમાં રાજ્યનો વિકાસ થઈ શકે એ માટે તાતા ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળી જે પ્રોજેક્ટ્સ કરી શકે એના પર ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
દહિસર ચેકનાકા પર કાર બળી ગઈ
દહિસર ચેકનાકા પર ગઈ કાલે એક સફેદ કાર બળી ગઈ હતી. સદ્ભાગ્યે આગ લાગ્યાની જાણ થતાં ડ્રાઇવર કાર ઊભી રાખીને બહાર નીકળી ગયો હતો. એ પછી ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારમાં લાગેલી આગને કારણે બીજાં વાહનો એની ચપેટમાં ન આવે એ માટે ત્રણ લેનનો ટ્રાફિક થોડી વાર અટકાવી દેવામાં આવ્યો હતો.
બહેનનું અફેર હોવાની શંકાને પગલે તેને જીવતી સળગાવી દેવાનો ભાઈએ કર્યો પ્રયાસ
નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની યુવતીના ભાઈએ જ તેને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના ભાઈને શંકા હતી કે તેની બહેનનું કોઈ યુવક સાથે અફેર ચાલી રહ્યું છે અને એ ભાઈને મંજૂર નહોતું એટલે તેણે બહેનને એક જગ્યાએ મળવા બોલાવી હતી. તે જ્યારે ભાઈ પાસે પહોંચી ત્યારે પહેલેથી તૈયારી સાથે પહોંચી ગયેલા ભાઈએ તેના પર પેટ્રોલ રેડી દીધું હતું અને પછી ગળા પર ચાકુ ધરી દઈને સિગારેટના લાઇટરથી તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ પ્રતિકાર કર્યો હતો અને ત્યાંથી નાસીને APMC પોલીસ-સ્ટેશન પહોંચીને બનાવ વિશે જણાવ્યું હતું. પોલીસે એ પછી તેના ભાઈને ઝડપી લીધો હતો અને તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
કફ સિરપની ૪૦ બૉટલ સાથે બે જણ પકડાયા
કલ્યાણની બાઝારપેઠ પોલીસે શુક્રવારે કલ્યાણની એક હૉસ્પિટલ પાસેથી ૩૩ વર્ષના અશફાક મોહમ્મદ શરીફ શેખ અને ૪૫ વર્ષના શમુ અબ્દુલ કરીમની કફ સિરપની ૪૦ બૉટલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
ગેરકાયદે પકડાયેલા દારૂનો સરેઆમ ખાતમો
છેલ્લા થોડા દિવસોમાં કરાયેલી અલગ-અલગ કાર્યવાહી દરમ્યાન નાગપુર પોલીસે ગેરકાયદે વેચાતા દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ગઈ કાલે પકડાયેલા દારૂના જથ્થા પર સિનિયર ઑફિસરોની હાજરીમાં રોડ રોલર ફેરવીને એનો નાશ કરવામાં આવ્યો હતો.
રેલવેએ રક્ષા માટે બેસાડી રક્ષણાત્મક જાળી
સેન્ટ્રલ રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને મસ્જિદ વચ્ચે ગેરકાયદે રીતે ટ્રૅક પર આવી જતા લોકોને રોકવા માટે ઘણી જગ્યાએ દીવાલ પર જાળી લગાવી દીધી છે. તસવીર: અતુલ કાંબળે
અતુલ સુભાષ સુસાઇડ કેસમાં પત્ની, સાસુ અને સાળાને કોર્ટે જામીન આપ્યા
બૅન્ગલોરમાં સુસાઇડ કરનારા એન્જિનિયર અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનિયાને બૅન્ગલોરની એક કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. કાનૂની કાર્યવાહી પૂરી થયા બાદ તેમને એક અથવા બે દિવસમાં બૅન્ગલોર સેન્ટ્રલ જેલમાંથી છોડવામાં આવશે. અતુલ સુભાષના પરિવારે જણાવ્યું હતું કે તેઓ ઑર્ડરની કૉપી મેળવ્યા બાદ કર્ણાટક હાઈ કોર્ટમાં જામીન આપવાના વિરોધમાં અપીલ કરશે. અતુલ સુભાષે પત્ની અને સાસરિયાંના ત્રાસના કારણે ગયા મહિને આત્મહત્યા કરી હતી અને એ પહેલાં વિડિયો બનાવીને તેની યાતનાની જાણકારી આપી હતી.
નેવીના બે માર્કોસ કમાન્ડોનાં પૅરૅશૂટ હવામાં ગૂંચવાયાં, નીચે સમુદ્ર હોવાથી જીવ બચી ગયા
આંધ્ર પ્રદેશના વિશાખાપટનમના રામકૃષ્ણ બીચ પર બીજી જાન્યુઆરીએ ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ઑપરેશનલ ડેમોન્સ્ટ્રેશનના રિહર્સલમાં બે માર્કોસ કમાન્ડોના જીવ માંડ-માંડ બચ્યા હતા. આ બે નેવી કમાન્ડો પૅરૅશૂટથી નીચે આવી રહ્યા હતા ત્યારે હવામાં જ તેમનાં પૅરૅશૂટ એકમેકમાં ગૂંચવાઈ ગયાં હતાં. આ ઘટનાના વિડિયોમાં દેખાય છે કે કમાન્ડો ધ્વજ સાથે નીચે ઊતરી રહ્યા છે અને તેમનાં પૅરૅશૂટ એકમેકમાં ગૂંચવાયાં છે. નીચે દરિયો હોવાથી તેઓ એમાં પડ્યા હતા અને બચાવકર્મીઓની ટીમ તેમના રેસ્ક્યુ માટે તૈયાર જ હતી. બન્ને કમાન્ડોને તાત્કાલિક સમુદ્રકિનારે લાવવામાં આવ્યા હતા.
કાશ્મીરમાં આર્મીની ટ્રક ખીણમાં ગબડી ગઈ, ચાર જવાનનાં મોત
જમ્મુ ઍન્ડ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં વુલર વ્યુપૉઇન્ટ પાસે આર્મીની એક ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એ રસ્તા પરથી ઊંડી ખીણમાં જઈને પડી હતી. આ દુર્ઘટનામાં સૈન્યના ચાર જવાને જીવ ગુમાવ્યા હતા.
સુરત ઍરપોર્ટ પર CISFના જવાનની આત્મહત્યા
શુક્રવારે સુરત ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના એક જવાને પોતાના સર્વિસ-વેપનનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. જયપુરના ૩૨ વર્ષના આ જવાનનું નામ કિસન સિંહ છે. કિસન સિંહે ઍરપોર્ટના વૉશરૂમમાં પોતાના પેટમાં ગોળી મારી હતી.
તામિલનાડુમાં ફટાકડાની ફૅક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, છ જણનાં મોત
ગઈ કાલે તામિલનાડુના વિરુધનગર જિલ્લાના સત્તુરમાં આવેલી ફટાકડાની એક ફૅક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં છ જણનાં મોત થયાં હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
અમેરિકામાં શૉપિંગ સેન્ટરમાં આગ, પેટ-શૉપનાં ૫૭૯ પ્રાણીઓના જીવ જતા રહ્યા
અમેરિકાના ડૅલસમાં પ્લાઝા લૅટિના નામના એક શૉપિંગ સેન્ટરમાં શુક્રવારે સવારે આગ ફાટી નીકળી એને પગલે ત્યાંની એક પેટ-શૉપમાં ૫૭૯ પ્રાણીઓએ જીવ ગુમાવ્યા હતા. આ પ્રાણીઓમાં મોટા ભાગનાં નાનાં પક્ષી હતાં. આગની જ્વાળાઓ તો એમના સુધી નહોતી પહોંચી, પણ એમનું મૃત્યુ શ્વાસમાં ધુમાડો જવાને કારણે થયું હતું. જીવ ગુમાવનારાં પ્રાણીઓમાં મરઘીઓ, ઉંદર જેવા પ્રાણી હૅમસ્ટર, બે શ્વાન અને બે બિલાડીનો પણ સમાવેશ હતો.
માની ગયા આ બાળકોને
નાગપુરમાં રાજ્ય સરકારના ટ્રાઇબલ અફેર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે આદિવાસી બાબતોના વિભાગ દ્વારા આયોજિત રાજ્યસ્તરીય ક્રીડા સ્પર્ધામાં લોક બિરાદરી પ્રકલ્પના વિદ્યાર્થીઓ દ્વારા મલ્લખાંબનું ગજબનાક પ્રદર્શન કર્યું હતું.