મળેલી માહિતી અનુસાર ગણેશ કદમ દૂધગંગા નદીમાં તરવા ઊતર્યો હતો.
News in Shorts
કોલ્હાપુરની દૂધગંગા નદીમાં બે યુવાન ડૂબી ગયા
કોલ્હાપુરની દૂધગંગા નદીમાં બે યુવાન ડૂબી ગયા
લોનાવલામાં ભુશી ડૅમના ઉપરવાસમાં આવેલા ધોધમાં પાંચ જણ તણાઈ ગયા બાદ કોલ્હાપુરની કલમાવાડીની દૂધગંગા નદીમાં સોમવાર સવારે બે લોકોનાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. કર્ણાટકના નિપાણી જિલ્લામાં રહેતા પ્રતીક પાટીલ અને ગણેશ કદમના મૃતદેહ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમે બહાર કાઢ્યા હતા. મળેલી માહિતી અનુસાર ગણેશ કદમ દૂધગંગા નદીમાં તરવા ઊતર્યો હતો. તેને તરતાં ન આવડતું હોવાથી આગળ પાણીનો અંદાજ ન રહેતાં તે ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે તેની સાથે રહેલો પ્રતીક પાણીમાં કૂદ્યો હતો. જોકે પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી બન્ને પાણીમાં ડૂબી ગયા હતા.
ADVERTISEMENT
અપશબ્દો કહેવા બદલ વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે પાંચ દિવસ સસ્પેન્ડ
વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે એમાં સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પ્રસાદ લાડને અપશબ્દો કહેવાના મામલામાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વરિષ્ઠ અને વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેને ગઈ કાલે પાંચ દિવસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભામાં સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ અને હિંસા સંદર્ભે કરેલા ભાાષણ વિશે વિધાન પરિષદમાં BJPના નેતા પ્રસાદ લાડે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ પ્રસાદ લાડને જવાબ આપતી વખતે અપશબ્દો કહ્યા હતા. આથી પ્રસાદ લાડે અંબાદાસ દાનવે માફી ન માગે તો રાજીનામાની માગણી કરી હતી. વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેએ ગઈ કાલે અંબાદાસ દાનવેને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.
વિરાર-ઈસ્ટમાં બાથટબ બનાવતી કંપનીમાં આગ
વિરાર-ઈસ્ટના બાવખલ વિસ્તારમાં આવેલા જે. કે. કમ્પાઉન્ડની કોરસન બાથટબ કંપનીમાં ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે શૉર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. માંડવી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય હઝારે અને તેમના સ્ટાફે આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે હાજર રહીને ફાયર વિભાગના અધિકારીઓને મદદ કરી હતી.
આ મહિને યોજાશે NEET PG પરીક્ષા પ્રશ્નપત્ર પરીક્ષાના બે કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે
મેડિકલના પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટેની નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રૅજ્યુએટ (NEET PG) પરીક્ષા આ મહિને યોજાશે એવી માહિતી મળી છે. આ પરીક્ષા માટેનું પ્રશ્નપત્ર પરીક્ષા યોજાવાના માત્ર બે કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. આ પરીક્ષા પહેલાં ૨૩ જૂને યોજાવાની હતી, પણ પરીક્ષામાં ગેરરીતિઓના મુદ્દે એને રદ કરવામાં આવી હતી. ગઈ કાલે ઍન્ટિ સાઇબર ક્રાઇમના અધિકારીઓ ગૃહમંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા.