હવાના અતિશય પ્રદૂષણને ખાળવામાં આવશ્યક પગલાં લેવામાં મદદ થશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મૅનેજમેન્ટ (IITM) દ્વારા રાષ્ટ્રીય પોર્ટલ મારફત હવાની ગુણવત્તા વિશે આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેમાં ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS)નો પણ હવે સમાવેશ કરવામાં આવશે. આથી મુંબઈમાં ઍર મૉનિટરિંગ સ્ટેશન્સમાંથી આંકડાઓ મેળવીને પ્રક્રિયા કરવામાં આવશે અને ખરાબ હવાની ગુણવત્તા જાણવા ૭૨ કલાક ઍડ્વાન્સમાં આગાહી કરી શકાશે.
DSS હેઠળ કામ કરતા કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટરને IITM દ્વારા હવાની ગુણવત્તા અને રજકણો વિશે માહિતી આપવામાં આવશે. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને હવાની ગુણવત્તા વિશે આગાહી કરવામાં અને હવાના અતિશય પ્રદૂષણને ખાળવામાં આવશ્યક પગલાં લેવામાં મદદ થશે. IITM દ્વારા દિલ્હીમાં સ્થાપવામાં આવી છે એવી જ આ સિસ્ટમ હશે. BMCના અધિકારીઓએ નિર્દેશ આપ્યો હતો કે DSSને કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા આગોતરાં પગલાં લેવામાં અધિકારીઓને મદદ મળી હતી. આથી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સમાં વીસથી બાવીસ ટકાનો ફરક પડ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈને પાણી પૂરું પાડતાં સાતમાંથી સૌથી મોટા જળાશયમાં પાણી ખતમ
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી સૌથી મોટા અપર વૈતરણામાં પાણીનું સ્તર ઝીરો થઈ ગયું છે. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ હવે રિઝર્વ રાખવામાં આવેલા સ્ટૉકમાંથી પાણી લેવાની શરૂઆત કરી છે. મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, વિહાર, તુલસી, અપ્પર વૈતરણા વગેરે જળાશયોમાં અત્યારે સરેરાશ આઠ ટકા પાણી છે. ઝડપથી પાણીના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે BMCએ ૩૦ મેથી પાંચ ટકા અને પાંચમી જૂનથી દસ ટકા પાણીકાપ લાદવાની જાહેરાત કરી હતી.
મતદાન વખતે ઉદ્ધવ ઠાકરેની પ્રેસ-કૉન્ફરન્સની તપાસ થશે
મુંબઈમાં લોકસભાની ચૂંટણી માટે ૨૦ મેએ મતદાન થઈ રહ્યું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરેએ મતદાનકેન્દ્રોમાં જાણી જોઈને ઓછું મતદાન કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ કરીને પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. આથી ઉદ્ધવ ઠાકરેએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે રાજ્યના ચૂંટણીપંચમાં કરી હતી. રાજ્યના ચૂંટણીપંચે આ ફરિયાદ ગઈ કાલે કેન્દ્રીય ચૂંટણીપંચને મોકલી છે એટલે આ મામલાની તપાસ થવાની શક્યતા છે.