કંઈક આવો પ્રતિભાવ હતો દરરોજના ટ્રાફિક જૅમથી કંટાળેલા મુંબઈના અનેક વેપારીઓનો: તેઓ વસઈ, વિરારમાં આવેલાં પોતાનાં કારખાનાં બીજે શિફ્ટ કરવાનું વિચારી રહ્યા હતા, પણ વર્સોવા બ્રિજની એક લેન ટ્રાફિક માટે ખુલ્લી મુકાતાં મળી મોટી રાહત
વર્સોવા બ્રિજની મુંબઈ-સુરત અને થાણે-સુરત લેન શરૂ થતાં લોકોને ભારે રાહત થઈ છે (તસવીર : પ્રીતિ ખુમાણ ઠાકુર)
હવે સુરત-મુંબઈ લેન શરૂ થવાની જોઈ રહ્યા છે રાહ : મે સુધી બીજી લેન શરૂ થવાની શક્યતા
વસઈ, વિરાર અને એની આસપાસ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર આવેલા છે અને અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ છે. મુંબઈથી મોટી સંખ્યામાં વેપારીઓ ફૅક્ટરીમાં આવવા-જવા માટે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેનો ઉપયોગ કરે છે. જોકે હાઇવે પર ઘોડબંદર નાકાથી લઈને વર્સોવા બ્રિજ ક્રૉસ કરીને આગળ જતાં ભારે ટ્રાફિક રહેતો હોવાથી વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ગયા હતા. એટલું જ નહીં, દરરોજ ટ્રાફિક જૅમથી કંટાળેલા અનેક વેપારીઓએ પોતાનાં કારખાનાં બીજે શિફ્ટ કરવાનું વિચારી લીધું હતું. જોકે હવે વર્સોવા બ્રિજની એક લેન સોમવારે શરૂ થતાં વેપારીઓએ પોતાનો વિચાર માંડી વાળ્યો છે. વેપારીઓ સાથે અન્ય લોકો હવે સુરત-મુંબઈ લેન ક્યારે શરૂ થશે એની રાહ જોઈ રહ્યા છે.
‘મિડ-ડે’એ ૧૦ માર્ચે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે પંદરેક દિવસમાં નવો બ્રિજ શરૂ થશે. ‘મિડ-ડે’એ આ નવા બ્રિજની મુલાકાત લીધી ત્યારે નવા બ્રિજ પરથી કોઈ પણ પ્રકારની અડચણ વિના લોકો વાહનો હંકારી રહ્યા હતા.
ADVERTISEMENT
ઘોડબંદરમાં વર્સોવા ખાડી પર બનેલો થાણેથી સુરત તરફ જતો નવો વર્સોવા બ્રિજ ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ વિશે ટ્વીટ કરીને પુલ શરૂ કરવાની વાત કર્યા બાદ માત્ર ત્રણ કલાકમાં બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો અને એનાથી વાહનચાલકોને ટ્રાફિક જૅમમાંથી મોટી રાહત મળી છે. મુંબઈ અને થાણેથી પાલઘર તથા ગુજરાત જવા માટે ઘોડબંદરની વર્સોવા ખાડી પાર કરવી પડે છે. આ ખાડી પર પ્રથમ બ્રિજ ૧૯૬૮માં બંધાયો હતો. એ બ્રિજ નબળો પડતાં નૅશનલ હાઇવે ઑથોરિટીએ જૂના વર્સોવા બ્રિજની બાજુમાં નવો વર્સોવા બ્રિજ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
બ્રિજની ખૂબ રાહ જોવાઈ
નવો બ્રિજ બનાવવાની જાહેરાત નીતિન ગડકરીએ કરી હતી. ચાર લેન ધરાવતા આ બ્રિજનું કામ ૨૦૧૮માં જાન્યુઆરીમાં શરૂ થયું હતું. આ બ્રિજના નિર્માણ માટે આશરે ૨૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એની લંબાઈ ૨.૨૫ કિલોમીટર છે, પરંતુ સમયમર્યાદા બાદ પણ બ્રિજનું કામ શરૂ થયું નહોતું. બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં હોવા છતાં ૨૦ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટનની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. સોમવારે સાંજે લગભગ ચાર વાગ્યે નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે બ્રિજ ટૂંક સમયમાં શરૂ થશે. એટલે તંત્ર કામે લાગી ગયું અને સાંજે સાત વાગ્યે બ્રિજની એક લેન ખુલ્લી કરી દેવામાં આવી હતી. નૅશનલ હાઇવે ઑથોરિટીએ જાહેરાત કરી કે મુંબઈથી અને થાણેથી સુરતનો માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો કરવામાં આવ્યો છે.
મે સુધીમાં સુરત-મુંબઈ લેન
નૅશનલ હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર મુંકુદ અત્તરડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બ્રિજનો સુરત તરફનો રૂટ ખુલ્લો થતાં વાહનચાલકોને જૂના બ્રિજ પર દરરોજ થતા ટ્રાફિક જૅમમાંથી મોટી રાહત મળશે. મુંબઈ તરફ જતો માર્ગ હવે વરસાદ આવે એ પહેલાં પૂરો કરવામાં આવશે. સુરત-મુંબઈ લેન શરૂ કરવા માટે રૅમ્પ બનાવવો જરૂરી છે અને આ રૅમ્પ બનાવવા માટે જ અમે ટ્રાફિકને નવા બ્રિજ પર ડાઇવર્ટ કર્યો છે. ટ્રાફિક હવે નવા બ્રિજ પર ત્રણેક દિવસ સુધી સતત ચાલશે તો અમે રૅમ્પનું કામ કરી શકીશું. આ બ્રિજ નૅશનલ હાઇવેની લાઇફલાઇન કહી શકાય, કારણ કે મુંબઈ અને થાણે પાસે ખાડી હોવાથી જૂના બ્રિજ પરથી પસાર થવું મુશ્કેલ હતું. થાણે-સુરત બાજુએ જવા માટે ટ્રેમ્પ પૅડ પણ તૈયાર થઈ ગયું હોવાથી ત્યાંથી પણ વાહનો અવર-જવર કરવા માંડ્યાં છે. ટ્રા ફિક અને અન્ય મુશ્કેલીઓ ખૂબ આડે આવી હતી અને આ બ્રિજ બનાવવાનું કામ ચૅલેન્જિંગ રહ્યું હતું. મે મહિના સુધી બીજી લેન શરૂ થશે અને એ પછી ટ્રાફિક-ફ્રી હાઇવે જોવા મળશે.’
મૅન્યુફૅક્ચરિંગ યુશનિટ શિફ્ટ કરવાના હતા
ભાઈંદરમાં રહેતા અને વસઈના ચિંચોટીમાં ડિસ્પોઝેબલ આઇટમના મૅન્યુફૅક્ચરર સમીર શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુપર્બ, ઈઝી ઍન્ડ વાઉ. ગઈ કાલે પહેલી વખત બ્રિજ પરથી જઈને આવો અનુભવ મને થયો હતો. ભાઈંદરથી મને કારખાના પર પહોંચતાં ૫૦-૬૦ મિનિટ અને ટ્રાફિક હોય તો કલાકો લાગતા હતા, પરંતુ ગઈ કાલે હું ફક્ત ૩૦ મિનિટમાં પહોંચી ગયો હતો અને મને વિશ્વાસ પણ બેસતો નહોતો. વરસાદમાં પાણી ભરાતાં અને અમુક વખત તો ચાર-ચાર કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ જતા. એટલા બધા કંટાળી ગયા હતા કે વાત ન પૂછો. અમારા ગ્રુપે તો વિચારી લીધું હતું કે હવે કારખાનાંને બીજે શિફ્ટ કરી લઈએ અને એ વિશે અમે પ્લાન પણ તૈયાર કરી લીધો હતો. જોકે બ્રિજ શરૂ થતાં અમારી મોટા ભાગની સમસ્યા દૂર થઈ ગઈ છે અને અમે ખરેખર રાહત અનુભવીએ છીએ.’
વિલે પાર્લે રહેતા અને વસઈમાં ફૅક્ટરી ધરાવતા ગૌરાંગ પારેખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બ્રિજ પરથી ગઈ કાલે પ્રવાસ કરતાં એવું લાગ્યું જ નહીં કે વસઈ બાય રોડ પ્રવાસ કરીને આવ્યા છીએ. ખૂબ સ્મૂધલી પ્રવાસ થયો અને સમયની પણ બચત થઈ હતી. હવે સમય જતાં સુરત-મુંબઈ બ્રિજ પણ શરૂ થશે તો ઘણી રાહત થશે. દહિસર ટોલનાકા પર ફાસ્ટ ટૅગ હોવા છતાં ટ્રાફિક જૅમ થાય છે. ઑથોરિટી આના પર પણ ધ્યાન આપશે તો લોકલ ટ્રેનની ભીડ ઓછી થશે અને લોકો બાય રોડ વધુ પ્રવાસ કરવા માંડશે.’