ભાઈંદરના આ કેસમાં એક પરિવારને દીકરી દત્તક જોઈતી હોવાની તેના મિત્રને ખબર પડતાં તેણે પોતાના સાગરીતો સાથે મળીને એક બાળકી વેચી દેવાનું કાવતરું ઘડ્યું અને તેના નામે તેની પાસેથી પૈસા પણ લીધા
Crime News
નવઘર પોલીસે લાગણીઓનો ખેલ કરનાર આરોપીને પકડી પાડ્યા
મીરા રોડના હાટકેશમાં ગૌરવ સંકલ્પમાં રવિ અમન સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષના મનીષ રામદેવ શંકર ગૅરેજનું કામ કરે છે. તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને અને તેમની પત્નીને બે દીકરા હોવાથી તેમને દીકરી જોઈતી હતી અને એથી તેમણે તેમના મિત્ર પરિવારને એ વિશે કહી રાખ્યું હતું કે જો કોઈ બાળકી દત્તક આપવા માગતું હોય તો તેમને લેવામાં રસ છે. એથી આરોપીઓએ તેની આ ઇચ્છા જાણી લઈ નવજાત બાળકીને દત્તક દેવાના નામે તેની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું અને ૧ લાખ કરતાં વધુ રૂપિયા પડાવ્યા હતા. જોકે તેમની માગણીઓ સતત વધતી જતી હતી અને બાળકી દત્તક આપવાના દસ્તાવેજો કરવામાં આવતી ઢીલ અને તેમના તરફથી જો રૂપિયા ન આપ્યા તો બાળકી ચોરી જવાની પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતાં મનીષ ચૌધરીએ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ કરીને આખરે ત્રણ આરોપી જેમાં બાળકીની માતાનો સમાવેશ થાય છે તેમને ઝડપી લીધાં હતાં.
નવઘર પોલીસે જણાવ્યું કે ‘મીરા રોડમાં રહેતા મનીષ શંકરને બે દીકરા છે અને તેમને અને તેમની પત્નીને એક દીકરી જોઈતી હતી. એ માટે મનીષના મિત્ર ચિરાગ મહેતાએ તેના ઓળખીતા અલ્પેશ કાછિયાની ઓળખ કરાવી હતી. અલ્પેશ કાછિયાની નવજાત દીકરી હોવાથી મમ્મીએ તેને જન્મ આપીને તે જતી રહી હોવાથી બાળકીની પરિસ્થતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. એથી અલ્પેશ તે બાળકીને દત્તક આપવા માગે છે, એમ કહેતાં મનીષે ભાઇંદર સ્ટેશન પાસે પોતાની પત્ની સાથે જઈ તે દોઢ મહિનાની બાળકીને લીધી હતી. અલ્પેશે બાળકીના જન્મ વખતે થયેલા ખર્ચ પેટે ૨૦,૦૦૦ રૂપિયા માગ્યા અને મનીષે વિશ્વાસ મૂકીને તેને પૈસા આપ્યા હતા.
ADVERTISEMENT
ત્યાર બાદ પાંચ દિવસ પછી આવીને તેણે કહ્યું કે તે બાળકી વગર રહી શકે એમ નથી એથી દંપતીએ અલ્પેશને તેની બાળકી પાછી આપી હતી. એ બાદ યશ સોની નામની વ્યક્તિએ મનીષને ફોન કર્યો અને કહ્યું હતું કે અલ્પેશ પર દેવું છે અને તે જો એ ચૂકવી દે તો તેઓ બાળકી આપી દેશે અને દસ્તાવેજો પણ આપી દેશે. ત્યારે મનીષે તેમને કહ્યું કે હું એક લાખ આપું છું, પણ મને દસ્તાવેજ આપો. એથી તેમણે કલ્પેશના દસ્તાવેજ આપ્યા હતા અને બાળકી પણ આપી, પરંતુ અલ્પેશની પત્નીના દસ્તાવેજ આપ્યા નહોતા. મનીષ અને તેની પત્ની તેમને વારંવાર દત્તક લીધેલી બાળકીના કાયદાકીય દસ્તાવેજો આપવા કહેતાં હતાં, પરંતુ એવું ન કરતાં તેઓ વધુ પૈસાની માગણી કરવા લાગ્યા હતા. એની સાથે અપશબ્દો બોલવાની સાથે-સાથે તેમને ધમકાવવા માંડ્યા હતા કે જો તે બાકીના (૧.૫ લાખ) રૂપિયા નહીં આપે તો બાળકી ચોરી જવાની તેના પર જ પોલીસ-ફરિયાદ કરી દેશે. એથી મનીષે જ નવઘર પોલીસ સ્ટેશનમાં બાળકી સાથે જઈને તે ત્રણ લોકો વિરુદ્ધ છેતરપિંડી અને બ્લૅકમેઇલિંગ અને ખંડણીની માગણી કર્યાની ફરિયાદ કરતાં પોલીસે આરોપીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કેસમાં સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નવઘર પોલીસ સ્ટેશનની ક્રાઇમ ડિટેક્શન ટીમના અધિકારીઓએ મોબાઇલ ફોનનું ટેક્નિકલ વિશ્લેષણ કરી ભાઈંદરમાં રહેતા ૨૪ વર્ષના આરોપી યશ હિતેશ સોની, ભાઈંદરમાં રહેતા અલ્પેશકુમાર ગિરીશભાઈ કાછિયાને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. એમાં જાણ થઈ કે આ બાળકી અલ્પેશની ન હોવાની સાથે તેની સાથે પહેલાં કામ કરતી મહિલાની હોવાનું સમજાયું હતું. એ બાદ તેની પૂછપરછ કરતાં આ ગુનામાં બાળકીની અસલી માતા પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. એથી આ કેસમાં મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.’
કેસ સંભાળનાર પોલીસ ઇન્સ્પેક્ટર ગણેશ કેકણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા એટલે કે બાળકીની માતાની કલ્યાણથી અને અન્ય બે આરોપીની ભાઇંદરથી ધરપકડ કરી છે અને તેમના પર પહેલાં કોઈ ક્રાઇમ નોંધાયેલા નથી, જ્યારે અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવશે.’