ઘણા લોકોને ઇમર્જન્સી હોય ત્યારે નાછૂટકે બ્રિજની નીચે ખુલ્લામાં પેશાબ કરવો પડે છે
ટૉઇલેટ શરૂ નથી કરાયું એટલે લોકોએ બ્રિજની નીચે હલકા થવું પડે છે.
ભાઈંદર રેલવે સ્ટેશન પર નવા બ્રિજની નીચે બાંધવામાં આવેલું ટૉઇલેટ ત્રણ મહિનાથી તૈયાર થઈ ગયું હોવા છતાં એ જનતા માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું. આને લીધે લોકોએ ઇમર્જન્સીમાં રેલવે બ્રિજની નીચે ખુલ્લામાં હળવું થવું પડે છે, જેને લીધે ગંદકી પણ થઈ રહી છે. ભાઈંદરમાં રહેતા ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC) મેમ્બર કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવેએ લાખો રૂપિયાના ખર્ચે ભાઈંદર રેલવે સ્ટેશનના નવા બ્રિજની નીચે વેસ્ટ સાઇડમાં નવું ટૉઇલેટ બનાવ્યું છે. એનું કામ ત્રણ મહિના પહેલાં પૂરું થઈ ગયું હોવા છતાં એ જનતા માટે ખુલ્લું નથી મુકાતું. રેલવેના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા છે એટલે એનું લોકાર્પણ અટક્યું છે. અહીંથી દરરોજ હજારો લોકો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. એમાંથી ઘણા લોકોને ઇમર્જન્સી હોય ત્યારે નાછૂટકે બ્રિજની નીચે ખુલ્લામાં પેશાબ કરવો પડે છે. જે જગ્યાએ લોકો હળવા થાય છે ત્યાં જ લેડીઝ કોચ આવે છે એટલે શરમજનક સ્થિતિ ઊભી થાય છે. હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે તાત્કાલિક રીતે આ ટૉઇલેટ શરૂ કરવા માટે મેં રેલવેને પત્ર લખ્યો છે.’
આ ટૉઇલેટ ક્યારે શરૂ કરવામાં આવશે એ વિશે ‘મિડ-ડે’એ રેલવેના મુંબઈ ડિવિઝનના અસિસ્ટન્ટ એન્જિનિયર નીરજ વર્મા પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઇલ નંબર સતત બિઝી આવ્યો હતો અને તેમણે મેસેજનો પણ કોઈ જવાબ નહોતો આપ્યો.