આવી અજબ મોડસ ઑપરૅન્ડી વાપરીને રિક્ષા-ડ્રાઇવરને ટાર્ગેટ કરતા બન્ને આરોપીઓ સામે અનેક ફરિયાદો હોવાનું બહાર આવ્યું
સાગર પારેખ, સંપતરાજ જૈન
સોનીના ધંધામાં મુશ્કેલી આવતાં ઝટપટ પૈસા કમાવા કરેલી છેતરપિંડીના એક કેસમાં પકડાઈ જતાં જેલમાં ગયેલા સુરતના ગુજરાતી યુવાન સાગર પારેખની જેલમાં અન્ય એક આરોપી સંપતરાજ જૈન સાથે મુલાકાત થતાં યુનિક મોડસ ઑપરૅન્ડી વાપરી માત્ર અને માત્ર રિક્ષાવાળાને લૂંટવાની અનોખી પદ્ધતિ શીખી લીધી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ એનો અમલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે એ પછી તેઓ પકડાઈ ગયા. છેલ્લે ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં તેમની સામે થયેલી ફરિયાદના આધારે વિષ્ણુનગર પોલીસે મીરા રોડ પોલીસ પાસેથી તેમનો તાબો મેળવ્યો હતો.
ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ વિશે માહિતી આપતાં ઑફિસરે કહ્યું કે ‘ઘટના ૮ ફેબ્રુઆરીએ ડોમ્બિવલી મચ્છી માર્કેટ પાસે બની હતી. સાગર અને સંપતરાજે રાકેશ મ્હામુણકરની રિક્ષા રોકીને કહ્યું કે અમારે શહાડ બિરલા મંદિર જવું છે અને રિટર્ન આવવું છે. લાંબા અંતરનું રિટર્ન ભાડું મળતાં રાકેશે તેમને હા પાડી હતી. મંદિરમાં જઈને આવ્યા બાદ તેમણે રાકેશ મ્હામુણકરને પ્રસાદનો પેંડો આપ્યો હતો. એ ખાધા પછી થોડી જ વારમાં રાકેશને ઘેન ચડવા માંડ્યું હતું અને એ જ તકની રાહ જોતા સાગર અને સંપતરાજે રિક્ષા અટકાવી રાકેશના ગળામાંથી સોનાની ચેઇન, મોબાઇલ અને રોકડા રૂપિયા મળી કુલ ૮૫,૦૦૦ રૂપિયાની મતા તફડાવી લીધી હતી. રાકેશ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને એ લૂંટની જાણ થઈ અને તેણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસના આરોપીઓને એ જ પ્રકારના ગુનામાં મીરા રોડ પોલીસના ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા હોવાની જાણ થતાં તેમનો તાબો લઈ તપાસ બાદ તેમની સોંપણી ફરીથી મીરા રોડ ક્રાઇમ બ્રાન્ચને કરવામાં આવી હતી.’
ADVERTISEMENT
મીરા રોડ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પુષ્પરાજ સુર્વેએ આરોપીઓની માહિતી આપતાં કહ્યું કે ‘સંપતરાજ જૈન મૂળ રાજસ્થાનનો છે અને તેના મામા અમદાવાદ રહેતા હોવાથી તે ત્યાં રહેવા ગયો હતો. તે પહેલાં જુગાર અને મટકા ચલાવતી ક્લબમાં નોકરી કરતો હતો અને તેને દારૂ પીવાની લત હતી. કોઈ એક કેસમાં તે પકડાયો અને જેલમાં તેની મુલાકાત સાગર સાથે થઈ. સાગરનો ભાઈ સોનાના બિઝનેસમાં હતો અને તેના પિતા પણ જ્વેલરને ત્યાં જૉબ કરતા હતા એથી સાગરને પણ સોનાની પરખ હતી. જોકે પછી ધંધામાં મુશ્કેલી આવતાં ઘરની આર્થિક પરિસ્થિતિ બગડતાં તેણે એક છેતરપિંડી કરી એમાં તે પકડાઈ ગયો હતો. સાગર અને સંપતરાજ જેલમાંથી અલગ-અલગ દિવસે છૂટ્યા હતા અને બહાર ફરી પાછા તેઓ મળ્યા અને તેમણે રિક્ષા-ડ્રાઇવરોને લૂંટવાની અનોખી પદ્ધતિ ખોળી કાઢી હતી. સાગર માત્ર જોઈને જ પારખી લેતો કે રિક્ષા-ડ્રાઇવરે જે દાગીના પહેર્યા છે એ સાચા છે કે ખોટા. તેઓ ગિરદીના ઠેકાણે ઊભા રહેતા, જેવો કોઈ રિક્ષા-ડ્રાઇવર દેખાય એટલે તેને કોઈ દૂરના મંદિરમાં જવું છે એમ કહીને રિક્ષા ભાડે કરતા અને પછી મંદિરમાંથી પાછા ફરતી વખતે ઘેનની દવાનો પેંડો કે પ્રસાદ રિક્ષા-ડ્રાઇવરને ખવડાવી દેતા. થોડી વારમાં રિક્ષા-ડ્રાઇવર ઘેનમાં સરી પડે એટલે તેઓ તેને લૂંટીને ભાગી જતા. કદાચ ઘરની પરિસ્થિતિને કારણે સાગર આવા રવાડે ચડ્યો હોઈ શકે, પણ ઓછી મહેનતે વધુ લાભ થાય છે એમ જાણી તે વધુ ને વધુ ગુના કરતો ગયો અને કાયદાની નજરમાં તે રીઢો ગુનાગાર બની ગયો. બન્ને આરોપીઓ સામે અંધેરી, આંબોલી, મીરા રોડના નયા નગર અને કાશીમીરામાં પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હતા. એથી એ કેસની તપાસ અમને સોંપાઈ હતી. બન્ને સામે ગુજરાતના અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરોમાં આ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે ને ત્યાં તેઓ પકડાયા પણ હતા, પરંતુ બહાર આવ્યા બાદ તેમણે ગુજરાતને બદલે મુંબઈ અને એની આસપાસના વિસ્તારોના રિક્ષા-ડ્રાઇવરોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. અમે સાઇબર સેલની મદદ લીધી અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરી ટેક્નિકલ ઍનૅલિસિસ કરી આખરે મીરા રોડમાંથી તેમને ૧૫ દિવસ પહેલાં ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૫.૯૦ લાખનો ચોરાયેલો માલ હસ્તગત કર્યો હતો. એ પછી વિષ્ણુનગર પોલીસે પણ એક ગુનામાં આ બન્ને વૉન્ટેડ હોવાથી તેમની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.’