સાઇબર ફ્રૉડની નવી મોડસ ઑપરૅન્ડી : વૉટ્સઍપ પ્રોફાઇલ ફોટોને મૉર્ફ કરીને ન્યુડ ફોટો સર્ક્યુલેટ કરી પૈસા પડાવવાના કૌભાંડના ભોગ બન્યા મીરા રોડના ગુજરાતી
Cyber Crime
પ્રતીકાત્મક તસવીર
સાઇબર ગઠિયાઓ દરરોજ નવી-નવી મોડસ ઑપરૅન્ડીથી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોય છે, જેમાં મોટા ભાગના લોકો પોતાના બૅન્ક-અકાઉન્ટ સંબંધી માહિતી આપી અથવા સેક્સટૉર્શનના ફ્રૉડમાં ફસાતા હોય છે. ભાઈંદરમાં રહેતા એક યુવાનને વૉટ્સઍપ પ્રોફાઇલ પર પોતાનો ફોટો રાખવાનું ભારે પડ્યું હતું. સાઇબર ગઠિયાએ તેનો વૉટ્સઍપ ફોટો ચોરી એને મૉર્ફ કરી યુવકનાં સગાંસંબંધીઓને મોકલી આપ્યો હતો. એ પછી વધુ લોકોને ન મોકલાવવા માટે યુવક પાસેથી પૈસાની માગણી કરી હતી. એ પછી યુવકે નયા નગર પોલીસ સ્ટેશનમાં ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
મીરા રોડમાં શાંતિનગર સેક્ટર-2માં આવેલી એક સોસાયટીમાં રહેતા રમેશ મહેતા (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર તે અંધેરીમાં ડિજિટલ માર્કેટિંગની એક કંપનીમાં કામ કરે છે. ૨૮ ઑક્ટોબરે રાતે ૯ વાગ્યે તેને એક અજાણ્યા નંબરથી વૉટ્સઍપ પર મેસેજ આવ્યો હતો. એ મેસેજમાં તેનો પ્રોફાઇલ ફોટો વાપરી ન્યુડ વિડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. એ વિડિયો મોકલનાર વ્યક્તિએ તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી જે આપ્યા પછી પણ સાઇબર ગઠિયાએ એ વિડિયો તેની પત્ની અને ભાઈને મોકલ્યો હતો. એ પછી વિડિયો મોકલનાર વ્યક્તિએ વધુ પૈસાની માગણી કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઈને તેણે તરત નયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
નયા નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલી એવી ઘટના સામે આવી છે જેમાં વૉટ્સઍપના પ્રોફાઇલના આધારે ન્યુડ વિડિયો બનાવી પૈસાની માગણી કરવામાં આવી છે. આ ઘટનામાં અમે ખંડણી અને આઇટી ઍક્ટ અનુસાર ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.’
નયા નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીનો આ ઘટના સંબંધે વધુ પ્રતિક્રિયા માટે સંપર્ક કરતાં તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.