રાજ્ય સરકાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશન પર બીજા સબ-વેના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સબ-વે દ્વારા CSMT મેટ્રો સ્ટેશન અને લોકલ ટ્રેનના મુસાફરો માટે સરળતાથી સ્ટેશન સુધી પહોંચવું શક્ય બનશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશન (ફાઈલ તસવીર)
રાજ્ય સરકાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશન (Chhatrapati Shivaji Terminus) પર બીજા સબ-વેના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સબ-વે મેટ્રો-3 કોરિડોરના CSMT રેલવે સ્ટેશન અને CSMT મેટ્રો સ્ટેશન વચ્ચે બનાવવામાં આવશે. આ સબ-વેની લંબાઈ લગભગ 365 મીટર હશે. આ સબ-વે દ્વારા CSMT મેટ્રો સ્ટેશન અને લોકલ ટ્રેન (Mumbai Local Train)ના મુસાફરો માટે સરળતાથી સ્ટેશન સુધી પહોંચવું શક્ય બનશે.
આ સબ-વેમાં કઈ સુવિધા હશે?
ADVERTISEMENT
આ સબ-વેનું નિર્માણ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) દ્વારા કરવામાં આવશે. MMRC અનુસાર CSMT પર નિર્માણ પામનાર આ સબ-વે મુંબઈનો હાઈટેક સબ-વે હશે. આ સબ-વેમાં અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મુસાફરો માટે લિફ્ટ, એસ્કેલેટર, નાસ્તો, શૌચાલય અને અન્ય સુવિધાઓ હશે. જોકે, હાલ સબ-વેની એન્જિનિયરિંગ અને ટેક્નિકલ ફિઝિબિલિટી પર કામ ચાલી રહ્યું છે. મુસાફરોને માટે સરળતા કરી આપનાર આ સબ-વેના નિર્માણનો ખર્ચ રાજ્ય સરકાર અને રેલવે દ્વારા ઉઠાવવામાં આવશે. સીએસએમટી રેલ્વે સ્ટેશનથી દરરોજ લગભગ 16 લાખ મુસાફરો મુસાફરી કરે છે. વર્ષ 2025 સુધીમાં મેટ્રો 3 કોરિડોર પર CSMT મેટ્રો સ્ટેશનથી દરરોજ 2 લાખ મુસાફરો મુસાફરી કરશે એવી આશા છે.
MMRCના એક અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “સબ-વેના નિર્માણ માટે રેલવે સાથે ચર્ચા ચાલી રહી છે. તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ સબ-વેનું નિર્માણ કાર્ય શરૂ થશે. મેટ્રો 3 કોરિડોર કોલાબા-બાંદ્રા-સીપ્ઝ વચ્ચે નિર્માણાધીન છે. અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનનું નિર્માણ કાર્ય 84 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. સરકારે બે તબક્કામાં મેટ્રો સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ડિસેમ્બર 2023માં આરેથી BKC અને જૂન 2024માં BKCથી કફ પરેડ સુધી સેવાઓ શરૂ કરવાની યોજના છે."
એકવાર CSMT મેટ્રો સ્ટેશન સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય તેની રાહ જોવામાં આવી રહી છે. એકવાર આ મેટ્રો સ્ટેશન તૈયાર થઈ જાય ત્યારબાદ ઉપનગરોમાં રહેતા મુસાફરો પશ્ચિમ રેલવેને બદલે મેટ્રો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરશે. મેટ્રો 3 કોરિડોરને અન્ય મેટ્રો લાઇન સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં રેલવે મુસાફરો મેટ્રોમાં શિફ્ટ થાય તેવી શક્યતા છે.
ભવિષ્યમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો ધરાવતા CSMT ખાતે બીજો સબ-વે બનાવવાની મંજૂરી આપી દીધી છે. હાલમાં CSMT રેલવે સ્ટેશન પર માત્ર એક સબ-વે છે. આ સબ-વે BMC અને આઝાદ મેદાનની નજીક શરૂ થાય છે. હાલમાં આ સબ-વે મુસાફરોથી ભરચક રહે છે. મેટ્રો સેવા શરૂ થવાથી આ સબ-વે પરથી પસાર થતા મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થશે.