દિવાળીની રજાઓમાં લોકો માથેરાનની મિની ટ્રેનનો આનંદ માણી શકશે
ફાઇલ તસવીર
દિવાળી નજીક છે ત્યારે મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનના ચાહકો માટે ગુડ ન્યુઝ છે. ચોમાસાને લીધે અમન લૉજથી નેરળ વચ્ચે બંધ કરી દેવામાં આવેલી મિની ટ્રેનની સર્વિસ આવતી કાલ એટલે કે ૪ નવેમ્બરથી રીસ્ટોર કરવાનો નિર્ણય સેન્ટ્રલ રેલવેએ લીધો છે. આથી દિવાળીની રજાઓમાં લોકો માથેરાનની મિની ટ્રેનનો આનંદ માણી શકશે. માથેરાનમાં સેન્ટ્રલ રેલવે દ્વારા ચલાવવામાં આવતી મિની ટ્રેનના ટાઇમ-ટેબલમાં ચોમાસામાં ફેરફાર કરવામાં આવે છે. વરસાદને લીધે નેરળથી અમન લૉજ સુધી મિની ટ્રેન ચલાવવામાં મુશ્કેલી થાય છે એટલે આ સમય દરમ્યાન અમન લૉજથી માથેરાન સુધી જ ટ્રેન દોડાવવામાં આવે છે. ચોમાસું પૂરું થયા બાદ ટાઇમ-ટેબલમાં ફેરફાર કરીને નેરળથી માથેરાન સુધીની સર્વિસ રીસ્ટોર કરવામાં આવે છે. સેન્ટ્રલ રેલવેએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે આવતી કાલથી માથેરાનના ચાહકો મિની ટ્રેનનો આનંદ માણી શકશે.
દિવાળી નજીક છે ત્યારે મુંબઈ જ નહીં, બહારગામથી મોટી સંખ્યામાં લોકો હરવાફરવા માટે માથેરાન જાય છે એટલે મિની ટ્રેનની સર્વિસથી તેમને ફાયદો થશે.