ગુજરાતી સિનિયર સિટિઝનને અટૅક આવતાં પાડોશી મહિલાએ પોતાનો નર્સનો અનુભવ કામે લગાડી ૪૦ મિનિટ સુધી ટ્રીટમેન્ટ આપીને તેમનો જીવ બચાવ્યો : જીવ બચાવનાર મહિલાને માની માતા
શશિકાંત દવે અને તેમને સીપીઆર આપીને સારવાર કરનાર પાડોશી હર્ષા ભગત.
મુંબઈ : વર્ષોથી ચીરાબજારમાં વેગાસ સ્ટ્રીટ સામે આવેલા બિલ્ડિંગમાં રહેતા ૭૨ વર્ષના શશિકાંત દવેને ૧૪ એપ્રિલે હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમને એનો થોડો અંદાજ આવી ગયો હતો, પણ સારવાર લે એ પહેલાં જ કૉમન ચાલીના પૅસેજમાં ફસડાઈ પડ્યા હતા. એ વખતે પાડોશમાં રહેતાં ૬૨ વર્ષનાં હર્ષા ભગતે તાત્કાલિક પોતાનો દાયકાઓ જૂનો નર્સ તરીકેનો અનુભવ કામે લગાડ્યો હતો અને તેમને સીપીઆર (કાર્ડિયોપલ્મનરી રિસુસિટેશન) કરવા માંડ્યું હતું. તરત જ બીજા બધા પાડોશીઓ દોડી આવ્યા હતા અને તેમના માટે ઍમ્બ્યુલન્સ બોલાવી હતી. ડૉક્ટર સાથે વાત કરીને તેમને સૈફી હૉસ્પિટલમાં લઈ જઈને દાખલ કર્યા હતા. ત્યાં ડૉક્ટર કૌશલ છત્રપતિએ પણ તાત્કાલિક નિર્ણય લઈને તેમને સ્ટેન્ટ બેસાડવાનું ઑપરેશન કર્યું હતું. આમ અણીના સમયે પાડોશીઓ અને મૂળ તો હર્ષાબહેનની મદદ કામ લાગી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. તેમને હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર ચાલુ કરાઈ ત્યાં સુધી લગભગ ૪૦ મિનિટ સુધી હર્ષાબહેને આપેલા સીપીઆરને કારણે શશિકાંતભાઈનો જીવ બચી ગયો હતો. હવે તો તેઓ હર્ષાબહેને જીવતદાન આપ્યું એટલે તેમને માતા ગણવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે એક માએ મને જન્મ આપ્યો અને બીજી માએ (હર્ષાબહેને) જીવ બચાવ્યો. એથી તે મારા માટે તો મા જ છે.’
મૂળ રાજકોટની બાજુના બગસરા પાસેના હાલરિયા ગામના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના શશિકાંતભાઈ વર્ષો સુધી એમ. જે. માર્કેટમાંની એક કંપનીમાં અકાઉન્ટન્ટ હતા અને હવે નિવૃત્ત છે. હવે તેઓ ઘરેથી શૅરબજારમાં નાનું-મોટું ટ્રેડિંગ કરે છે. તેમનો દીકરો કૅનેડામાં તેની ફૅમિલી સાથે સેટલ છે, જ્યારે દીકરી અમદાવાદમાં સાસરે છે. હાલ તેઓ અને તેમનાં પત્ની જ અહીં રહે છે. શશિકાંતભાઈએ ૧૪ એપ્રિલની ઘટના યાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ દિવસે હું ચાલીમાં ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે મને છાતીમાં સહેજ દુખાવો થવા માંડ્યો હતો અને સાથે જ બહુ પરસેવો થવા માંડ્યો હતો. એટલે મને ખ્યાલ આવી ગયો કે સમથિંગ ઇઝ રૉન્ગ અને એ અટૅક પણ હોઈ શકે. આમ તો મને કોઈ તકલીફ નથી. ડાયાબિટીઝ નથી અને બીપી પણ નથી. જોકે પરસેવો થવા માંડ્યો અને સાથે દુખાવો થયો એટલે આ સિમ્પ્ટમ્સ અટૅકનાં હશે એવો ખ્યાલ હતો. તરત જ મેં બાજુમાં રહેતા પાડોશીની બેબીને કહ્યું કે તારી પાસે બીપીનું મશીન છે એ લઈને ચેક કર. તેણે ચેક કર્યું તો બીપી બહુ વધારે હતું અને પલ્સ પણ હાઈ હતી. એથી તેણે કહ્યું કે કાકા, તમને તો અટૅક જેવું લાગે છે. પછી હું ત્યાં જ ફસડાઈ પડ્યો અને બેહોશ થઈ ગયો. એ પછી મને કશી ખબર નથી.’
એ વખતે ત્યાં સામે જ ઊભેલાં તેમનાં અન્ય પાડોશી હર્ષા ભગત દોડી આવ્યાં હતાં. હર્ષાબહેને એ ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું નર્સ છું. મેં મારી યંગ એજમાં બોરીવલી-ઈસ્ટની એક હૉસ્પિટલમાં વર્ષો સુધી કામ કર્યું હતું અને હું ઑપરેશન થિયેટરમાં અસિસ્ટન્ટ પણ રહી ચૂકી છું. જોકે લગ્ન પછી ઘર-પરિવારની જવાબદારીઓ આવતાં મેં નર્સિંગનું કામ છોડી દીધું હતું. મારી પાસે એનું નૉલેજ અને અનુભવ તો હતાં જ, જે મને ખરે ટાઇમે કામ લાગ્યાં. મેં શશિકાંતભાઈને ફસડાઈ પડતા જોયા એટલે તરત જ તેમની પાસે પહોંચી ગઈ અને તેમને ચેક કરતાં મને પણ ખ્યાલ આવી ગયો કે તેમને અટૅક આવ્યો છે. એથી તરત તેમને સીપીઆર આપવા માંડ્યું અને પમ્પિંગ કરવા માંડ્યું. ચાલીમાં તરત જ વાત ફેલાઈ ગઈ અને બીજા બધા પાડોશીઓ પણ દોડી આવ્યા. કોઈએ ડૉક્ટરને ફોન કર્યો. કોઈએ ઍમ્બ્યુલન્સ બોલાવીને સૈફીમાં લઈ જવાનું નક્કી કરીને ત્યાં લઈ ગયા અને સારવાર આપી. જોકે આ આખા સમય હું તેમની સાથે જ તેમને સતત પમ્પિંગ કરીને સીપીઆર આપતી રહી અને તેમનું હૃદય ચાલતું રહ્યું. બધાએ જવાબદારી ઉપાડી લીધી અને સહાયરૂપ બન્યા.’
ડૉ. કૌશલ છત્રપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પેશન્ટને અમારે ત્યાં લાવ્યા ત્યાં સુધી તેમને સીપીઆર આપવામાં આવ્યું એ ખરેખર જ બહુ મહત્ત્વનું ઠર્યું અને તેઓ બચી ગયા હતા. અમે તરત જ નિર્ણય લઈ ઍન્જિયોપ્લાસ્ટી કરીને તેમની બ્લૉક થઈ ગયેલી ધમનીમાં બે સ્ટેન્ટ બેસાડ્યા હતા. એ પહેલાં તેમનું હાર્ટ નૉર્મલ રીતે ચાલુ રહે એ માટે તેમને બે હળવા ઇલેક્ટ્રિક શૉક આપવા પડ્યા હતા. મૂળમાં અટૅક આવ્યા પછી હૃદય ધબકવાનું બંધ કરી દે છે અને તેથી શરીરમાં અને ખાસ કરીને મગજમાં બ્લડ પહોંચતું નથી એટલે એ કામ કરવાનું બંધ કરી દે છે. હર્ષા ભગતે આપેલા સીપીઆરને કારણે તેમનું હૃદય ધબકતું રહ્યું અને એથી થોડી માત્રામાં પણ બ્લડનું સર્ક્યુલેશન ચાલુ રહ્યું જે ખરેખર કામ આવ્યું. તેમણે કરેલી સાવચેતીભરી સારવાર બહુ જ ઉપયોગી ઠરી.’
શશિકાંતભાઈએ કહ્યું હતું કે ‘પહેલો સગો પાડોશી એ ઉક્તિ સાર્થક ઠરી હતી. મારા બધા જ પાડોશીઓ મદદે દોડી આવ્યા હતા. કોઈએ મારી વાઇફને સધિયારો આપ્યો અને કહ્યું કે ચિંતા ન કરો, અમે છીએ, બધું સારું થઈ જશે. કોઈએ ડૉક્ટરને બોલાવ્યા તો કોઈએ ઍમ્બ્યુલન્સ બોલાવીને પૈસા માટે એક હરફ પણ ઉચાર્યો નથી. બધા હું કઈ રીતે બચી જઉં એ વિશે જ વિચારી રહ્યા હતા. તેમણે ફિઝિકલ હેલ્પ કરી, મેન્ટલ હેલ્પ કરી અને ઇકૉનૉમિકલ હેલ્પ પણ કરી. ખરેખર હું બધા જ પાડોશીઓનો આભારી છું. મારા દીકરાને જાણ થતાં તેણે ફોન કરીને પૂછ્યું કે હું ઇન્ડિયા આવું, પણ અમે ના પાડી. જોકે મારી દીકરી અમદાવાદથી બીજા જ દિવસે આવી પહોંચી હતી. પાડોશીઓનો સપોર્ટ અમને બહુ જ રહ્યો.’