દ્વારકાધીશ આજે પણ જિતાડજો
રશ્મિન શાહ
ગુરુવારે કાળિયા ઠાકુરનાં દર્શન કર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સનાં ઓનર અને રિલાયન્સ ગ્રુપનાં નીતા અંબાણીએ ગઈ કાલે માત્ર ૪૮ કલાકના અંતર બાદ ફરી પાછાં દ્વારકા આવીને આજે રમાનારી IPLની ફાઇનલમાં જીત મેળવવા માટે દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. પોતાના બે કલાકના રોકાણ દરમ્યાન નીતાબહેને દ્વારકાધીશની શૃંગાર-આરતીનો લાભ લીધો હતો અને દ્વારકાધીશના બપોરના રાજભોગના ખાતામાં ૫,૫૧,૦૦૦ રૂપિયા લખાવ્યા હતા, જ્યારે સાંજના સૂકા મેવાના ભોગમાં ૧,૫૧,૦૦૦ રૂપિયા અર્પણ કર્યા હતા. એ ઉપરાંત નીતાબહેને મંદિરના ગોલખમાં એટલે કે દાનપેટીમાં પણ ૧,૦૦,૦૦૧ રૂપિયા અર્પણ કર્યા હતા. આમ બે કલાકના પોતાના રોકાણ દરમ્યાન નીતાબહેને દ્વારકાધીશને ૮ લાખ રૂપિયાથી વધુનો ચડાવો લખાવ્યો હતો.
મંદિરે દર્શન કર્યા પછી નીતાબહેન દંડીસ્વામી શ્રીસદાનંદજીનાં દર્શનાર્થે પણ ગયાં હતાં. ગઈ કાલે પહેલી વખત નોંધાયું હતું કે નીતા અંબાણી જ્યારે પણ દર્શન માટે દ્વારકા આવે છે ત્યારે તેઓ ગુલાબી રંગના પોષાકમાં જ આવે છે. ગુરુવારે તેમણે પિન્ક કપડાં પહેર્યા હતાં અને ગઈ કાલે પણ તેમણે એ જ કલરનાં કપડાં પહેર્યા હતાં.