વધુ એક લેટર-બૉમ્બમાં સચિન વાઝેએ કહ્યું...
જયંત પાટિલ, સચિન વાઝે
વિવિધ કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ પોલીસ-ઇન્સ્પેક્ટર સચિન વાઝેએ વધુ એક લેટર-બૉમ્બ નાખ્યો છે, જેમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા જયંત પાટીલ પર તેણે ગંભીર આરોપ કર્યા છે. તળોજા જેલમાંથી સચિન વાઝેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે, જે ગઈ કાલે વાઇરલ થયો હતો. આ પત્રમાં સચિન વાઝેએ દાવો કર્યો છે કે ભારતના સૌથી મોટા હુક્કા-વિતરકને છોડી મૂકવા માટે તેને જયંત પાટીલે ફોન કર્યો હતો. મુખ્ય આરોપીને છોડી દઈને બીજા કોઈની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું. એ ફોનનું રેકૉર્ડિંગ પોતાની પાસે હોવાનું પણ પત્રમાં નોંધ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખના દબાવમાં અનેક ગેરકાયદે કામ કર્યાં હોવાનો દાવો સચિન વાઝેએ કર્યો છે.
બદલી માટે કટકી?
ADVERTISEMENT
સચિન વાઝેના પત્ર સાથે ગઈ કાલે થાણેના પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય દેશમુખનો પત્ર પણ વાઇરલ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું મારી બદલી કરવા માટે ૨૫ લાખ રૂપિયા સુખદા બંગલામાં લેવામાં આવ્યા હતા. આ રૂપિયા પાછા નહીં આપવામાં આવે તો આમરણ ઉપવાસ કરીશ એવું વિજય દેશમુખના પત્રમાં લખવામાં આવ્યું છે. આ પત્રમાં ફરી એક વખત શરદ પવાર, અનિલ દેશમુખ અને જયંત પાટીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.