શરદ પવારે આ બાબતે કહ્યું હતું કે તેમને નીતીશ કુમારે ફોન કરી આ બેઠકમાં બધા જ વિરોધ પક્ષના ટોચના નેતાઓની સાથે આવવા આમંત્રણ આપ્યું હતું
શરદ પવાર
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે દેશમાંથી બીજેપીને નાબૂદ કરવાના આશય સાથે વિરોધ પક્ષના નેતાઓની એક બેઠકનું પટનામાં ૨૩ જૂને આયોજન કર્યું છે, જેમાં તેમણે એનસીપીના વડા શરદ પવારને પણ આમંત્રણ પાઠવ્યું છે. શરદ પવારે કહ્યું છે કે તેઓ એ બેઠકમાં હાજરી આપશે. શરદ પવારે આ બાબતે કહ્યું હતું કે તેમને નીતીશ કુમારે ફોન કરી આ બેઠકમાં બધા જ વિરોધ પક્ષના ટોચના નેતાઓની સાથે આવવા આમંત્રણ આપ્યું હતું. આ નૅશનલ ઇશ્યુ પર બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે અને એથી તેને સપોર્ટ કરવો એ જવાબદારી બને છે.
બિહારમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ (યુનાઇટેડ)એ પટનામાં પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે આવનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભે રણનીતિ ઘડી કાઢવા આ બેઠકનું આયોજન કરાયું છે અને એમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનીજી, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે અને અન્ય મહત્ત્વના નેતાઓ હાજર રહેવાના છે. હાલ દેશમાં જાહેર કર્યા વગરની કટોકટી લદાઈ છે અને એથી સરખી વિચારધારા ધરાવતા પક્ષોએ બીજેપીને હટાવવા સાથે આવવું જોઈએ.