આ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે અજિત પવારની પાર્ટીના વિધાનસભ્યે ધડાકો કરતાં કહ્યું કે ડિસેમ્બરના અંતમાં રાજકીય ભૂકંપ થશે અને એ વખતે દાદા સાથે જોડાનારા શરદ પવારની પાર્ટીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ માટે આ પ્રધાનપદ ખાલી રાખવામાં આવ્યું છે
જયંત પાટિલ
રવિવારે રાજ્ય વિધાનસભાનું વિસ્તરણ થયું એમાં એક પ્રધાનપદ બાકી રાખવામાં આવ્યું હોવાથી એ કોના માટે છે એને લઈને ચાલી રહેલી જોરદાર ચર્ચાઓ વચ્ચે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય અને પ્રવક્તા અમોલ મિટકરીએ ગઈ કાલે કહ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં જોરદાર રાજકીય ભૂકંપ આવશે અને આ ભૂકંપ પવારસાહેબ માટે દાદા (અજિત પવાર) છૂટા પડવા જેટલો જ પ્રચંડ હશે.
આ પ્રધાનપદ એના માટે જ રિઝર્વ રાખવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું. ત્યાર બાદ તેમણે ઇશારામાં કહી દીધું હતું કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર) પક્ષના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ અજિત પવાર સાથે જોડાશે અને આ પ્રધાનપદ તેમના માટે ખાલી રાખવામાં આવ્યું છે. તેઓ ઇસ્લામપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.
ADVERTISEMENT
આ પહેલાં લોકસભાના ઇલેક્શન પહેલાં પણ જયંત પાટીલ દાદા સાથે જોડાશે એવી વાતો વહેતી થઈ હતી પણ એવું થયું નહોતું. એ વિશે અમોલ મિટકરીએ કહ્યું હતું કે ‘આ પહેલાં પણ તેમના માટે એક પ્રધાનપદ ખાલી રાખવામાં આવ્યું હતું. એ વખતે તેમણે બહુ જ વિચાર કર્યો હતો પણ ત્યાર બાદ લોકસભામાં મહા વિકાસ આઘાડીની તરફેણમાં લોકોએ મતદાન કર્યું હોવાથી તેમને એવું લાગ્યું હતું કે હવે દાદા સાથે જોડાવાની જરૂર નથી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. થોડા સમય પહેલાં તેમણે કહ્યું હતું કે હું યોગ્ય સમયે, યોગ્ય નિર્ણય લઈશ. તમે જુઓ, હવે એ સમય આવી ગયો લાગે છે.’
પ્રધાનોનું સંખ્યાબળ કઈ રીતે થાય છે નક્કી?
રાજ્ય પ્રધાનમંડળમાં રવિવારે ૩૩ કૅબિનેટ અને ૬ રાજ્ય પ્રધાન સહિત કુલ ૩૯ વિધાનસભ્યોએ પ્રધાનપદના શપથ લીધા હતા. આ સિવાય મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનને ગણીએ તો પ્રધાનમંડળની સંખ્યા ૪૨ થાય છે અને બંધારણ મુજબ કોઈ પણ રાજ્ય કુલ બેઠકના ૧૫ ટકા વિધાનસભ્યોને જ પ્રધાનમંડળમાં સ્થાન આપી શકે છે. આપણે ત્યાં ૨૮૮ બેઠક હોવાથી વધુમાં વધુ ૪૩ વિધાનસભ્ય પ્રધાન બની શકે છે.