પુણેમાં તેના પર ડ્રગ્સના મામલે કેસ ચાલી રહ્યો હોવા વિશે કહ્યું : વાનખેડેએ જવાબમાં કહ્યું કે સાળીનું નામ જાહેર કરીને ખૂબ સારું કામ કર્યું મિત્ર, પણ આ પ્રકરણ સાથે મારો કોઈ સંબંધ નથી
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગઈ કાલે બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એનસીબીની ઑફિસમાં એસઆઇટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવીને બહાર આવી રહેલી નૂપુર સતેજા (તસવીર : સુરેશ કરકેરા)
ક્રૂઝ ડ્રગ્સ મામલામાં નવાબ મલિકે એનસીબીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમના કુટુંબ પર પ્રહાર કર્યા બાદ ગઈ કાલે તેમની સાળીને નિશાન બનાવી હતી. તેમણે સમીર વાનખેડેનાં બીજા પત્ની ક્રાંતિ રેડકરની બહેન સામે પુણેમાં ડ્રગ્સનો મામલો હોવાનો દાવો કર્યો હતો. નવાબ મલિકે આ બાબતે ટ્વીટ કરીને મહિલા આરોપીની માહિતી જાહેર કરતાં સમીર વાનખેડેએ તેમને જવાબ આપ્યો હતો કે ‘ખૂબ સારું કામ કર્યું મિત્ર, આ મામલો ૨૦૦૮નો છે જ્યારે હું નોકરી પણ નહોતો કરતો. આથી આ મામલા સાથે મારો શું સંબંધ?’
સમીર વાનખેડેએ નવાબ મલિકને જવાબ આપતાં કહ્યું હતું કે ‘આવા પ્રકરણમાં એક મહિલાનું નામ જાહેર કરીને ખૂબ સારું કામ કર્યું છે મિત્ર. હકીકતમાં અમે જ્યારે પ્રેસ રિલીઝ જારી કરીએ છીએ ત્યારે મહિલાની ઇમેજ ખરાબ ન થાય એવી રીતે તેનું નામ જાહેર નથી કરતા. ક્રાંતિની બહેન હર્ષદા રેડકર પરનો કેસ ૨૦૦૮નો છે. એ સમયે હું નોકરી પણ નહોતો કરતો. ક્રાંતિ સાથે મારાં લગ્ન ૨૦૧૭માં થયાં છે. તો મારો આ પ્રકરણ સાથે કેવી રીતે સંબંધ હોય?’
સવારે નવાબ મલિકે હર્ષદા રેડકર પર કરેલા આરોપ બાબતે એક ટ્વીટ કરી હતી, જેમાં તેમણે કેટલાક સ્ક્રીનશૉટ જોડ્યા હતા. ટ્વીટમાં નવાબ મલિકે લખ્યું હતું કે ‘સમીર દાઉદ વાનખેડે, તારી સાળી હર્ષદા દિનાનાથ રેડકર ડ્રગ્સના વ્યવસાયમાં સામેલ છે કે શું? તમારે આ સવાલનો જવાબ આપવો પડશે, કારણ કે તેની સામે પુણે કોર્ટમાં એક ચાલી રહ્યો છે.’ નવાબ મલિકે ટ્વીટની સાથે આ પ્રકરણના પુરાવા પણ આપ્યા હતા.
બૉમ્બે હાઈ કોર્ટે નવાબ મલિકને સોગંદનામું આપવા કહ્યું
સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવે બૉમ્બે હાઈ કોર્ટમાં નવાબ મલિક સામે માનહાનિના દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન ગઈ કાલે જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠે એનસીપીના નેતાને એક દિવસમાં આ બાબતે સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે નવાબ મલિકને ફટકારતાં કહ્યું હતું કે ‘નવાબ મલિક, તમે આવતી કાલ સુધીમાં જવાબ રજૂ કરો. તમે ટ્વિટર પર જવાબ આપી શકો છો તે અહીં (કોર્ટ)માં પણ જવાબ આપી શકો છો.’ આટલું કહીને ખંડપીઠે આગામી સુનાવણી બુધવાર સુધી સ્થગિત કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્ઞાનદેવ વાનખેડેએ ક્રૂઝ ડ્રગ્સ મામલામાં નવાબ મલિકે સમીર વાનખેડેની સાથે આખા પરિવારને નિશાન પર લઈને ઇજ્જતના ધજાગરા કર્યા હોવાથી તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરીને ૧.૨૫ કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે.
કાશિફ ખાનને ઓળખતો
નથી : અસલમ શેખ
નવાબ મલિકે કૉન્ગ્રેસના મલાડના વિધાનસભ્ય અસલમ શેખને ક્રૂઝ પરની પાર્ટીમાં આવવાનું આમંત્રણ કાશિફ ખાને આપ્યું હોવાનો દાવો બે દિવસ પહેલાં કર્યો હતો. આ વિશે અસલમ શેખે ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘હું કાશિફને ઓળખતો નથી. તેણે મને પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું, પણ હું નહોતો ગયો. ક્રૂઝ પરની પાર્ટીની મને કોઈ જાણ નહોતી. તે પાર્ટીના માધ્યમથી કોઈ કાવતરું ઘડાઈ રહ્યું હતું કે કેમ એ પણ હું નથી જાણતો. આ મામલાની તપાસ એજન્સીએ કરવી જોઈએ. કાશિફને એક વખત હું મળ્યો હતો. તે એ જગ્યાએ કેવી રીતે પહોંચ્યો હતો એની ખબર નથી. એ સમયે તેણે મને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. કાશિફ પાસે મારો ફોન-નંબર પણ નહીં હોય. મારો મોબાઇલ મોટા ભાગે પીએ પાસે હોય છે. તેની સાથે મારી ક્યારેય વાત નથી થઈ.’
શાહરુખ ખાનની મૅનેજરને
પોલીસે સમન્સ મોકલ્યા
ક્રૂઝ પરની ડ્રગ્સ પાર્ટીના પ્રકરણમાં ખંડણીના આરોપની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાણીને શનિવારે સમન્સ મોકલીને પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું હતું. જોકે પોતાની તબિયત સારી ન હોવાનું કહીને તે હાજર ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ખંડણીના આરોપ મામલે ત્રણ દિવસ પહેલાં મુંબઈ પોલીસને સીસીટીવી કૅમેરાનાં મહત્ત્વનાં ફુટેજ હાથ લાગ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ લોઅર પરેલ વિસ્તારનાં છે, જેમાં શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાણીની બ્લુ કલરની મર્સિડીઝ કાર દેખાય છે. જે સ્થળે આ કાર દેખાય છે ત્યાં ૨૫ કરોડ રૂપિયાની ખંડણીની ડીલ થઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
ચંકી પાંડેના ભાઈને પોલીસના સમન્સ
ક્રૂઝ ડ્રગ્સ મામલામાં અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની એનસીબીએ પૂછપરછ કર્યા બાદ ગઈ કાલે મુંબઈ પોલીસની સ્પેશ્યલ ઇન્ક્વાયરી ટીમ (એસઈટી)એ ચંકી પાંડેના ભાઈ ચક્કી પાંડેને પૂછપરછ માટે હાજર થવાના સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખંડણીની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમે અગાઉ રણજિતસિંહ બિન્દ્રા અને મયૂર ઘુલેની કિરણ ગોસાવી અને શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાણીની કથિત મદદ કરવા બદલ નિવેદન નોંધ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ રણજિતસિંહ બિન્દ્રા અભિનેતા ચંકી પાંડેના ભાઈ ચક્કી પાંડેના સંપર્કમાં હતો. તેણે પૂજા દાદલાણીનો કૉન્ટૅક્ટ નંબર શૅર કર્યો હતો. આથી પોલીસ તેની પૂછપરછ કરવા માગે છે.
નવાબ મલિકને કોર્ટની નોટિસ
શિવડી મુંબઈ મેટ્રોપોલિટન કોર્ટે ગઈ કાલે બદનક્ષીના કેસમાં નવાબ મલિકને નોટિસ મોકલીને તેમને ૨૯ નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનું કહ્યું હતું. બીજેપીના નેતા મોહિત કમ્બોજે દાખલ કરેલી ક્રિમિનલ ડિફેમેશનની અરજીના અનુસંધાનમાં નવાબ મલિકને નોટિસ મોકલાઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે પ્રાથમિક રીતે એ પુરવાર થાય છે કે નવાબ મલિકના શબ્દોથી મોહિત કમ્બોજની આબરૂ ખરડાઈ છે. નવાબ મલિકે પોતાની સાથે પોતાના પરિવારજનોને ક્રૂઝ ડ્ર્ગ્સ મામલામાં ઢસડવાને લીધે ભારે બદનામી થઈ હોવાનું કહીને કોર્ટમાં તેમની સામે ૧૦૦ કરોડ રૂપિયાના વળતરની માગણી કરતી અરજી દાખલ કરી છે.