એક વિડિયોને આધારે પોલીસે સામે ચાલીને કેસ નોંધ્યો છે
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિના મંડપમાં અશ્લીલ ડાન્સ કરવા બદલ પોલીસે વિરારમાં એક મંડળના પદાધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. એક વિડિયોને આધારે પોલીસે સામે ચાલીને કેસ નોંધ્યો છે. વિરારમાં દુર્ગાપૂજા ફાઉન્ડેશને વિરાર-ઈસ્ટમાં ફુલપાડા ખાતે નવરાત્રિ-મહોત્સવનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમના નામે અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કરનાર સચિત મિશ્રા, સુભાષ ઝા, રત્નેશ્વર ઝા અને બાગેશ ઝા નામની ચાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય કલમ ૨૯૪, ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વિરાર પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ-અધિકારી રાજેન્દ્ર કાંબલેએ માહિતી આપતાં જણાવ્યું કે ‘તહેવારો અને ઉત્સવોની પવિત્રતા જળવાવી જોઈએ, પરંતુ આ વિડિયો પોલીસને મળતાં એમાં નવરાત્રિ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. એથી અમે આ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’