હાલના બે દિવસમાં એક દિવસનો અને એ પણ જો શનિવારે વધારો કરી શકાય તો બીજા દિવસે રવિવારની જાહેર રજા હોવાથી લોકો એનો વધુ આનંદ લઈ શકે એવી રજૂઆત તેમણે કરી છે
Navratri
ફાઇલ તસવીર
વિધાનસભ્ય પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે એ માટે હાલ જે બે દિવસની પરવાનગી આપવામાં આવી છે એમાં એક દિવસનો વધારો કરી એ ત્રણ દિવસની કરવામાં આવે એવી રજૂઆત કરી છે.
પ્રવીણ દરેકરે એ પત્રમાં કહ્યું છે કે ઉત્તર મુંબઈમાં ૧૦થી ૧૨ મોટી-મોટી નવરાત્રિઓ ઊજવાઈ રહી છે. એ સાથે જ મોટી સોસાયટીઓમાં પણ નવરાત્રિની ઉજવણી થાય છે. જોકે હાલ સાંજે ૭થી રાતના ૧૦ સુધી જ નવરાત્રિની પરવાનગી અપાય છે. માત્ર બે જ દિવસ સુધી રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવા અપાય છે. મુંબઈમાં લોકો કામ-ધંધેથી જ મોડે આવતા હોવાથી રાતના ૧૦ વાગ્યા સુધીના આયોજનમાં તેમને ગરબા રમવાનો પૂરતો આનંદ મળી શકતો નથી. એટલે હાલના બે દિવસમાં એક દિવસનો અને એ પણ જો શનિવારે વધારો કરી શકાય તો બીજા દિવસે રવિવારની જાહેર રજા હોવાથી લોકો એનો વધુ આનંદ લઈ શકે એવી રજૂઆત તેમણે કરી છે.