રિવૉલ્વર દેખાડીને ૪.૯૩ લાખ રૂપિયા લૂંટી લીધા
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના સીવુડ્સ વિસ્તારમાં રહેતા અને ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) મસાલા માર્કેટમાં E-6 ગાળામાં ન્યુ પટેલ ટ્રેડિંગ નામે મસાલાનો વ્યવસાય કરતા ૩૫ વર્ષના અમિત પટેલ (વાવિયા)ની કારમાં લિફ્ટ લેવાના બહાને બેસીને અજાણ્યા લૂંટારાએ રિવૉલ્વર બતાવી બંધક બનાવીને ૪.૯૩ લાખ રૂપિયા લૂંટી લીધા હોવાની ફરિયાદ શનિવારે APMC પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટના બાદ APMC માર્કેટના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈ કાલે વેપારી અસોસિએશને સજાગ રહેવાની અપીલ તમામ વેપારીઓને કરી છે.
મારી પાસેથી પૈસા છીનવી લીધા એ પછી પણ લૂંટારા યુવકે કારમાં મને ૫૦ મિનિટ અનેક વિસ્તારમાં ફેરવ્યો હતો. તેના હાથમાં રિવૉલ્વર હતી એ જોઈને હું ગભરાઈ ગયો હતો એમ જણાવતાં અમિત પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચૂંટણીમાં ચેકિંગ હોવાને કારણે વેપારના પૈસા મેં દુકાનમાં જ રાખ્યા હતા. ચૂંટણીનાં રિઝલ્ટ આવી ગયાં હોવાથી શનિવારે દુકાનમાં રાખ્યા હતા એ ૪.૯૩ લાખ રૂપિયા લઈ રાતે ૯ વાગ્યે ઘરે જવા માટે માર્કેટમાં પાર્ક કરેલી મારી કાર નજીક ગયો ત્યારે મારી પાછળ એક ઍક્ટિવા ખોટી રીતે પાર્ક થયેલી હતી એને હટાવવા જતાં એક યુવક સામેથી આવ્યો અને તેણે ઍક્ટિવા સાઇડમાં કરી હતી. એ પછી યુવકે માર્કેટની બહાર જવા માટે લિફ્ટ માગી એટલે મેં તેને મારી સાથે કારમાં બેસાડ્યો હતો. કાર થોડી આગળ વધતાં યુવકે મેરી બૅગ મેં સામાન હૈ કહીને રિવૉલ્વર બતાવીને કાર આગળ ચલાવવા કહ્યું. ત્યાર બાદ તેણે મારી પાસે રહેલા પૈસા જબરદસ્તી ઝૂંટવી લીધા હતા. પૈસા લીધા બાદ પણ કારને અનેક વિસ્તારમાં ફેરવીને છેવટે કોપરી સિગ્નલ નજીક પામ બીચ રોડ પર ઊતરીને તે નાસી ગયો હતો. આ ઘટના બાદ મેં પોલીસ-ફરિયાદ નોંધાવી છે.’
ADVERTISEMENT
આરોપીને શોધવા માટે વિવિધ ટીમ બનાવી છે એમ જણાવતાં APMC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્કેટમાં આવીને વેપારીને લૂંટી જવું એ ચિંતાનો વિષય છે. આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. વહેલી તકે આરોપીને ઝડપી લઈશું.’