શૅર ટ્રેડિંગના નામે સિનિયર સિટિઝન સાથે જબરદસ્ત છેતરપિંડી. વાશીમાં રહેતા અને મંત્રાલયની મોટી પોસ્ટમાંથી રિટાયર થયેલા ૭૦ વર્ષના સિનિયર સિટિઝનને ૫૦૦૦ રૂપિયા સામે શૅર માર્કેટ ટ્રેડિંગમાં બે લાખ રૂપિયાનો નફો આપીને ૪,૭૩,૭૦,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના વાશીમાં સેક્ટર-૨૯માં રહેતા અને મંત્રાલયની મોટી પોસ્ટમાંથી રિટાયર થયેલા ૭૦ વર્ષના સિનિયર સિટિઝનને ૫૦૦૦ રૂપિયા સામે શૅર માર્કેટ ટ્રેડિંગમાં બે લાખ રૂપિયાનો નફો આપીને ૪,૭૩,૭૦,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ રવિવારે નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ડિસેમ્બરના અંતમાં ફેસબુક પર સિનિયર સિટિઝને શૅર ટ્રેડિંગની જાહેરાત જોઈ હતી. ત્યાર બાદ વિવિધ લાલચ આપીને ડિસેમ્બરથી માર્ચ મહિનાની શરૂઆત સુધી પૈસા લેવામાં આવ્યા હતા. આ ઇન્વેસ્ટમેન્ટ સામે ૧૨ કરોડ રૂપિયાનો નફો દેખાડવામાં આવ્યો હતો. જોકે જ્યારે સિનિયર સિટિઝને પોતાના પૈસા સાથે નફાના પૈસા કઢાવવાની કોશિશ કરી ત્યારે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
સિનિયર સિટિઝનને લલચાવવા માટે સાઇબર ગઠિયાએ ગબજનો પેંતરો અપનાવ્યો હતો એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડિસેમ્બરની શરૂઆતમાં ફેસબુક પર ફરિયાદીએ KKR ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મની જાહેરાત જોઈ હતી. એમાં શૅર ટ્રેડિંગ કરીને ટૂંક સમયમાં પૈસા કમાવા માટેની માહિતી આપવામાં આવી હતી. એના પર ક્લિક કરતાં ફૉર્મ ભરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ફૉર્મ ભરવાની સાથે અરવિંદ દીક્ષિત નામની વ્યક્તિએ ફરિયાદીને ફોન કરીને તેની કંપની કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે ટૂંક સમયમાં પ્રૉફિટ કરી આપે છે એ વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ફરિયાદીએ શરૂઆતમાં તેમની કંપનીમાં ૫૦૦૦ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એની સામે ૧૫ દિવસ બાદ બે લાખ રૂપિયા તેમને પાછા આપવામાં આવ્યા હતા. એકસાથે આટલા મોટા પ્રમાણમાં પ્રૉફિટ થયો હોવાનું જોઈને ફરિયાદીએ ડિસેમ્બરથી માર્ચ સુધીમાં ૪૨ ટ્રાન્ઝૅક્શનમાં ૪,૭૩,૭૦,૦૦૦ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા હતા. એની સામે ૧૨.૧૨ કરોડ રૂપિયાનો પ્રૉફિટ થયો હોવાનું ફરિયાદીને કહ્યું એટલે ફરિયાદીએ પોતાની મૂળ રકમ અને પ્રૉફિટના પૈસા કઢાવી લેવાનું કહેતાં તેમને ૧.૨૦ કરોડ રૂપિયા માર્જિન અમાઉન્ટ ભરવાનું કહેવામાં આવ્યું. એ સમયે ફરિયાદીને શંકા જતાં તેમણે નજીકના લોકો સાથે આ સંબંધે વાત કરતાં છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ કિસ્સામાં અમે રવિવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એની માહિતી કઢાવવામાં આવી રહી છે.’

