Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એપીએમસી માર્કેટ ફરી ધમધમવા માંડી

એપીએમસી માર્કેટ ફરી ધમધમવા માંડી

29 January, 2024 07:46 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ત્રણ દિવસના બંધ બાદ રવિવારે ખુલ્લી રહેલી નવી મુંબઈની દાણાબજારમાં ગઈ કાલે ૪૦૦ ગાડીઓની આવક થઈ હતી

ગઈ કાલે રવિવાર હોવા છતાં ખુલ્લી રહેલી નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ત્રણ દિવસના બંધ બાદ ખાલી થઈ રહેલી અનાજ-કરિયાણાંની ગાડીઓ.

ગઈ કાલે રવિવાર હોવા છતાં ખુલ્લી રહેલી નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ત્રણ દિવસના બંધ બાદ ખાલી થઈ રહેલી અનાજ-કરિયાણાંની ગાડીઓ.


મરાઠા સમાજના આંદોલનકારીઓને રહેવા, જમવા અને સૂવાની વ્યવસ્થાની સગવડ આપવા માટે ગુરુવાર, ૨૫ જાન્યુઆરીથી બંધ રહેલી નવી મુંબઈની એપીએમસી માર્કેટ મુંબઈ અને આસપાસનાં ઉપનગરોમાં અનાજ-કરિયાણાંનો પુરવઠો લોકો સુધી પહોંચી શકે એ માટે ગઈ કાલે રવિવાર હોવા છતાં ખુલ્લી રાખવામાં આવી હતી. બહારગામથી આવેલી બધી જ અનાજ-કરિયાણાંની ગાડીઓ છેલ્લા ત્રણ દિવસથી નવી મુંબઈની બહાર રોકી દેવામાં આવી હતી, જેને ગઈ કાલે માર્કેટમાં પ્રવેશ આપીને માથાડી કામગારોએ ખાલી કરીને અનાજપુરવઠાને રૂટીનમાં લઈ આવ્યા હતા.


આ પહેલાં માથાડી સમાજની આરક્ષણની માગણી મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લેતાં મરાઠા સમાજે શનિવારે બપોરે બે વાગ્યે તેમનું આંદોલન પાછું ખેંચી લીધું હતું, જેને પરિણામે મરાઠા સમાજના આંદોલનકર્તાઓએ એપીએમસી માર્કેટ ખાલી કરી નાખી હતી. બપોરે બે વાગ્યા પછી તરત જ માથાડી નેતા શશિકાંત શિંદે અને નરેન્દ્ર પાટીલે માથાડી કામગારોને કામે ચડી જવા આહ‍વાન કર્યું હતું, જેને પગલે મસાલાબજારની માર્કેટની બહાર ઊભેલી ૧૫૦થી ૨૦૦ ગાડીઓ માર્કેટમાં આવી ગઈ હતી અને રાતના નવ વાગ્યા સુધી માથાડી કામગારોએ આ ગાડીઓ ખાલી કરીને મસાલાબજારના કામકાજને રૂટીનમાં લઈ આવ્યા હતા. જોકે એ સમયે દાણાબજારમાં કામકાજ શરૂ થયું નહોતું.



આ માહિતી આપતાં મૂડીબજારના અગ્રણી વેપારી નેતા અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો મરાઠા સમાજના આંદોલનકર્તાઓ ૨૬ જાન્યુઆરીએ માર્કેટ ખાલી કરી દેવાના હતા. જોકે સરકારે તેમની પાસે એક દિવસનો સમય માગતાં આ આંદોલનકર્તાઓએ મુંબઈ તરફ કૂચ કરી જવાનું મુલતવી રાખીને એપીએમસી માર્કેટમાં રોકાણ લંબાવ્યું હતું. શનિવારે સવારે મરાઠા સમાજની આરક્ષણની માગણી સ્વીકારાઈ હોવાના સમાચાર આવતાં જ માર્કેટની બહાર ઊભેલી માલથી ભરેલી ગાડીઓને માર્કેટની અંદર લઈ લેવામાં આવી હતી. માથાડી કામગારો બે વાગ્યા પછી કામે લાગી જતાં મસાલાબજારને મોડી રાત સુધી ખુલ્લી રાખીને પહેલાં બધી જ ગાડીઓને ખાલી કરી નાખી હતી, જેનાથી વેપારીઓને મોટી રાહત મળી હતી.’


શનિવારે દાણાબજારના માથાડી કામગારો કામે લાગ્યા નહોતા. આથી દાણાબજારના વેપારીઓએ માથાડી નેતાઓને રવિવારે કામકાજ ચાલુ રાખવાની વિનંતી કરી હતી. આ બાબતની માહિતી આપતાં ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરાઠા આરક્ષણના આદોલનકર્તાઓને રહેવા, જમવા અને સૂવાની વ્યવસ્થાની સગવડ આપવામાં વેપારીઓએ માથાડી કામગારોને તન, મન અને ધનથી સાથસહકાર આપ્યો હતો. આથી માથાડી નેતાઓએ માથાડી કામગારોને આહવાન કર્યું હતું કે ગઈ કાલે રવિવાર હોવા છતાં દાણાબજારને ખુલ્લું રાખીને વેપારીઓને સાથ આપવો. આથી ગઈ કાલે દાણાબજાર રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. ગઈ કાલે ૪૦૦ ગાડીઓની આવક થઈ હતી. રોજની જેમ જ વેપારીઓ, દલાલો અને માથાડી કામગારો માર્કેટમાં કામે આવ્યા હતા. મુંબઈ અને આસપાસનાં ઉપનગરોમાં ત્રણ દિવસથી બંધ પડેલી અનાજપુરવઠાની સપ્લાય શરૂ કરી દીધી હોવાથી બજારની સ્થિતિ સામાન્ય બની ગઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2024 07:46 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK