તેણે ૧૮ જેટલા ક્રૉસની તોડફોડ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના જૂના ચર્ચમાંના એક એવા માહિમના સેન્ટ માઇકલ ચર્ચના કબ્રસ્તાનની ૧૮ જેટલી કબરો પર લગાવવામાં આવેલા ક્રૉસ તોડી નાખનાર શખ્સને માહિમ પોલીસે ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર એ શખ્સ કબ્રસ્તાન સાઇડની દીવાલ કૂદીને આવ્યો હતો. તેના હાથમાં મોટો પથ્થર હોવાનું જણાયું હતું. તેણે ૧૮ જેટલા ક્રૉસની તોડફોડ કરી હતી. જોકે એ પછી તે ચર્ચમાં પણ ગયો હતો અને થોડી વાર ત્યાં બેસીને પછી બહાર નીકળી માહિમ સ્ટેશન તરફ નીકળી ગયો હતો.
જોકે તે જ્યારે કબ્રસ્તાનમાંથી ચર્ચ તરફ આવ્યો ત્યારે ચર્ચના વૉચમૅનને તેને એ સમયે ત્યાંથી આવતો જોઈને આશ્ચર્ય થયું હતું. એથી તેણે તેનો ફોટો પોતાના મોબાઇલમાં પાડી લીધો હતો જે પાછળથી પોલીસને આપ્યો હતો.
ADVERTISEMENT
માહિમ પોલીસે આ સંદર્ભે ધાર્મિક સ્થાનને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધીને કેસની તપાસ હાથ ધરી હતી. કુલ છ ટીમ બનાવવામાં આવી હતી અને ઝડપી તપાસ કરીને આરોપી દાઉદ ઇબ્રાહિમ મોહમ્મદ અન્સારીને પકડી લીધો હતો. પોલીસે તેના વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આરોપી કળંબોલીમાં તેના સગાની ગાદી-તકિયાની દુકાનમાં કામ કરે છે અને તેમની સાથે જ રહે છે. તે માહિમ ચર્ચના કબ્રસ્તાનમાં શા માટે આવ્યો અને તેણે આ રીતની તોડફોડ શા માટે કરી એની પૂછપરછ અમે હાલ કરી રહ્યા છીએ.’