ક્રીડા મહાકુંભનું ઉદ્ઘાટન આઠમી માર્ચે સવારે નવ વાગ્યે પંચવટી-નાશિકસ્થિત સ્વ. મીનાતાઈ ઠાકરે વિભાગીય ક્રીડા સંકુલ ખાતે થશે
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ૩૫૦ વર્ષ પૂર્ણ થયાંના અવસરે અને પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જયંતી પ્રસંગે નાશિકમાં સાતથી નવમી માર્ચ દરમ્યાન રાજ્યસ્તરીય ક્રીડા મહોત્સવ યોજાશે જેનું આઠમી માર્ચે મહિલા દિનના અવસરે રાજ્યના કૅબિનેટ પ્રધાનો મંગલ પ્રભાત લોઢા અને ગિરીશ મહાજન ઉદ્ઘાટન કરશે. આ ખેલ મહોત્સવમાં ક્રિકેટ, કૅરમ અને વૉલીબૉલ સહિતની ૧૧ જેટલી આધુનિક રમતો ઉપરાંત લેજીમ, કબડ્ડી, ખો ખો, ટગ ઑફ વૉર, લગોરી, લંગડી, દોરડાકૂદ, પંજાની લડાઈ જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલ પ્રભાત લોઢાની પહેલથી આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રીડા મહાકુંભનું ઉદ્ઘાટન આઠમી માર્ચે સવારે નવ વાગ્યે પંચવટી-નાશિકસ્થિત સ્વ. મીનાતાઈ ઠાકરે વિભાગીય ક્રીડા સંકુલ ખાતે થશે. વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાના નેજા હેઠળ યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)ના યુવાનો ભાગ લેશે. આઠમી માર્ચે મહિલા દિન નિમિત્તે મહિલા ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ યોજાશે.

