આવકના બનાવટી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીને ૧૯૯૫માં નાશિકમાં ઘર મેળવનારા રાજ્યના કૃષિપ્રધાન માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ સુનીલ કોકાટેને ગયા મહિને બે વર્ષની સજા કરવામાં આવ્યા બાદ તેમણે આ ચુકાદાને પડકાર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
આવકના બનાવટી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીને ૧૯૯૫માં નાશિકમાં ઘર મેળવનારા રાજ્યના કૃષિપ્રધાન માણિકરાવ કોકાટે અને તેમના ભાઈ સુનીલ કોકાટેને ગયા મહિને બે વર્ષની સજા કરવામાં આવ્યા બાદ તેમણે આ ચુકાદાને પડકાર્યો હતો. ગઈ કાલે એની સુનાવણી વખતે નાશિકની કોર્ટે કૃષિપ્રધાન અને તેમના ભાઈની સજા પર જ રોક લગાવી દીધી હતી. આ પહેલાં કોર્ટે બે વર્ષની સજાને અમલમાં મૂકવા પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ સાથે તેમના વિધાનસભ્યપદને હવે કોઈ ખતરો ન હોવાનું કાયદાના જાણકારોનું કહેવું છે.
કોકાટે ભાઈઓએ નાશિકના કૉલેજ રોડ પર મુખ્ય પ્રધાનના ૧૦ ટકા ક્વોટામાંથી બે ફ્લૅટ મેળવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની પાસે કોઈ ફ્લૅટ નથી અને તેઓ લો ઇન્કમ ગ્રુપ (LIG)માંથી આવે છે. જોકે તેમના આ દાવા સામે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ટી. એસ. દિઘોળેએ ફરિયાદ દાખલ કરી હતી જેનો ચુકાદો ગયા મહિને આવ્યો હતો. તેમનું કહેવું હતું કે સરકારની દિશાભૂલ કરીને બનાવટી ડૉક્યુમેન્ટ્સના આધારે તેમણે ફ્લૅટ લીધો છે. તેમની આ ફરિયાદના આધારે માણિકરાવ કોકાટે, તેમના ભાઈ સુનીલ કોકાટે અને બીજા બે અધિકારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં માણિકરાવ કોકાટે અને તેમના ભાઈને સજા થઈ હતી, જ્યારે બાકીના બે જણને પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

