થાણેની સભામાં મુંબઈ મેટ્રો ૩નું કામ કેવી રીતે અટકાવવામાં આવ્યું હતું એનું ઉદાહરણ આપ્યું
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે થાણેમાં આયોજિત સભામાં કૉન્ગ્રેસ અને મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડીમાં સામેલ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથને નિશાના પર લીધા હતા. થાણેમાં આયોજિત સભામાં વડા પ્રધાને ૩૨,૮૦૦ કરોડ રૂપિયાની વિવિધ યોજનાનું ભૂમિપૂજન કરવાની સાથે પૂરાં થયેલાં કેટલાંક કામોનું લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠી ભાષામાં ભાષણની શરૂઆત કરતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર રાજ્યાચા તીન શક્તિપીઠ દેવીંના મી કોટિ કોટિ નમન કરતો. છત્રપતિ અને બાબાસાહેબાંના નમન કરતો. મી આજ એક મોઠી આનંદાચી બાતમી ઘેઉન આલોય. કેન્દ્ર સરકારને મરાઠી ભાષેલા અભિજાત દર્જા દિલાય. હા પરંપરેચા સન્માન આહે જ્યાને દેશાલા જ્ઞાનદર્શન, અધ્યાત્મ આણિ સાહિત્યસંસ્કૃતિ દિલીયે. મરાઠી બોલણાર્યાંચે અભિનંદન કરતો.’
ADVERTISEMENT
વડા પ્રધાને બાદમાં હિન્દીમાં કહ્યું હતું કે ‘વિરોધીઓ વિકાસનાં કામને લટકાના અટકાના ઔર ભટકાના જ કરી રહ્યાં છે. મુંબઈ મેટ્રો ૩ એનું જીવંત ઉદાહરણ છે. આ પ્રોજેક્ટનું ૬૦ ટકા કામ દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે પૂરું થઈ ગયું હતું. જોકે બાદમાં મહા વિકાસ આઘાડીની સરકારના અહંકારને લીધે પ્રોજેક્ટ લટકી ગયો. દેશવાસીઓનું એક લક્ષ્ય છે વિકસિત ભારત. મહા વિકાસ આઘાડીએ પાડેલા ખાડાને ભરવાનું કામ પણ અમારે કરવું પડશે. આથી મુંબઈ અને થાણેને ફ્યુચર-રેડી બનાવવા માટે અમારે ડબલ મહેનત કરવી પડી રહી છે. વિરોધી પક્ષોએ મુંબઈ અને થાણેની ટ્રાફિકની સમસ્યા પર કોઈ ધ્યાન નહોતું આપ્યું, પણ અમે આપી રહ્યા છીએ. આથી જ કોસ્ટલ રોડ જેવા અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. શરૂ કરવામાં આવેલાં કામ અટકાવતાં મેટ્રો ૩ના પ્રોજેક્ટમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ રૂપિયા મહારાષ્ટ્રના હતા. એના માટે વિરોધીઓ જ જવાબદાર છે. મહા વિકાસ આઘાડી વિકાસવિરોધી છે. સત્તામાં હતા ત્યારે તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોક્યો, રાજ્યમાં પાણીની યોજના રોકી. હવે સમય આવ્યો છે જનતાએ આ લોકોને રોકવાનો. વિકાસના દુશ્મનોને રોકવાના છે. આ લોકોને સત્તાથી દૂર રાખવાની જવાબદારી હવે જનતાની છે.’
પીઢ મહિલા કાર્યકરને વંદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે થાણેમાં ૩૨,૮૮૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના ભૂમિપૂજન કરવા ગયા હતા ત્યારે વ્હીલચૅરમાં આવેલાં ભારતીય જનતા પાર્ટીનાં પીઢ મહિલા નેતા વીણા ભાટિયાને મળ્યા હતા. તેઓ જનસંઘની સ્થાપના થઈ ત્યારથી પાર્ટીમાં જોડાયેલાં છે. વીણા ભાટિયા ૧૯૮૫થી થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં થાણે-ઈસ્ટની કોપરી કૉલોની વૉર્ડમાંથી સતત ત્રણ વખત નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. વડા પ્રધાન સાથે મુલાકાત થતાં વીણા ભાટિયા સાથે પક્ષના કાર્યકરોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત શું-શું બોલ્યા નરેન્દ્ર મોદી?
કૉન્ગ્રેસ લૂંટ અને ફરેબનું પૅકેજ કૉન્ગ્રેસ સૌથી બેઈમાન અને ભ્રષ્ટ પાર્ટી છે. કૉન્ગ્રેસનું ચરિત્ર ક્યારેય બદલાતું નથી. કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાને જમીનનો ગોટાળો કર્યો. એક નેતા ડ્રગ્સ સાથે પકડાયો. નવા-નવા ટૅક્સ લાવીને રૂપિયા લૂંટવાનો કૉન્ગ્રેસ સરકારનો એજન્ડા છે. હિમાચલમાં કૉન્ગ્રેસ સરકારે ટૉઇલેટ ટૅક્સ લગાવ્યો. કૉન્ગ્રેસ લૂંટ અને ફરેબનું ફુલ પૅકેજ છે. મહિલાઓને અપશબ્દો કહે છે, યુવા પેઢીને ડ્રગ્સને રવાડે ચડાવીને બરબાદ કરે છે.’
વિરોધીઓ લાડકી બહિણ યોજના બંધ કરશે
લાડકી બહિણ યોજના મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે તો બંધ કરશે. તેમને આ યોજના હજમ નથી થઈ. વિરોધીઓ સરકાર બનાવશે તો તેઓ જનતા માટે શરૂ કરવામાં આવેલી યોજનાના રૂપિયા દલાલોના ખિસ્સામાં નાખશે. લાડકી બહિણ, લાડકા ભાઉ અને લાડકા ખેડૂત યોજનાના રૂપિયા આ લોકો બંધ કરી દેશે.
કૉન્ગ્રેસનું ભૂત જેના શરીરમાં ઘૂસે એની સ્થિતિ ખરાબ થાય છે
કૉન્ગ્રેસથી સાવધ રહેવાની જરૂર છે. જ્યારે-જ્યારે કૉન્ગ્રેસ સત્તામાંથી બહાર રહી છે ત્યારે એનો સાચો ચહેરો સામે આવે છે. કૉન્ગ્રેસ શહેરી નક્સલવાદીઓની સાથે છે એ સ્પષ્ટ થઈ ગયું છે. કૉન્ગ્રેસને જાણ છે કે એેની એક વોટબૅન્ક છે એટલે હવે તે અન્ય લોકોમાં ફૂટ પાડીને સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આપણે જો તેમની વાતમાં આવી જઈશું તો કૉન્ગ્રેસ ઉજવણી કરશે. આથી કૉન્ગ્રેસની ચાલ સફળ ન થવા દેતા. કૉન્ગ્રેસે દેશને ગરીબીમાં ધકેલ્યો. તેની સાથે જનારા પક્ષો પણ બરબાદ થાય છે. રાષ્ટ્રવાદ બોલનારા હવે તુષ્ટીકરણ કરે છે, વક્ફ બોર્ડ બિલનો વિરોધ કરી રહ્યા છે, વક્ફ બોર્ડના ગેરકાયદે કબજાને દૂર નહીં કરવા દઈએ એમ કહે છે, જમ્મુ-કશ્મીરમાં ફરી કલમ ૩૭૦ લાવવાનું કહે છે. કૉન્ગ્રેસનું ભૂત જેના શરીરમાં ઘૂસે છે તેની એવી જ સ્થિતિ થાય છે.