વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક જ દિવસમાં સોલાપુર, સાતારા અને પુણેમાં ઉપરાઉપરી ત્રણ જાહેરસભા સંબોધી હતી.
ગઈ કાલે પુણેમાં આયોજિત ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદીને ઘોડેસવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક જ દિવસમાં સોલાપુર, સાતારા અને પુણેમાં ઉપરાઉપરી ત્રણ જાહેરસભા સંબોધી હતી. મહાયુતિનાં બારામતીનાં ઉમેદવાર સુનેત્રા પવાર, માવળના ઉમેદવાર શ્રીરંગ વારણે, શિરુરના ઉમેદવાર શિવાજીરાવ આઢળરાવ પાટીલ અને પુણેના ઉમેદવાર મુરલીધર માહોળના પ્રચાર માટે પુણેના રેસકોર્સ મેદાનમાં આયોજિત સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારનું નામ લીધા વિના નિશાન તાકતાં કહ્યું હતું કે ‘કેટલીક ભટકતી આત્મા છે. સ્ત્રીની ઇચ્છા પૂરી ન થાય તો તે ભટકતી રહે છે. તે પોતે તો સંતોષી નથી હોતી, પણ બીજાઓને પણ અસ્થિર કરે છે. મહારાષ્ટ્રના એક નેતાએ આ ખેલ ૪૫ વર્ષ પહેલાં શરૂ કર્યો. બાદમાં અનેક મુખ્ય પ્રધાનની ખુરસી અસ્થિર થઈ. આ ભટકતી આત્મા માત્ર વિરોધીઓને જ અસ્થિર નથી કરતી, પોતાના પક્ષને પણ અસ્થિર કરે છે. એટલું જ નહીં, પોતાના કુટુંબમાં પણ અસ્થિરતા નિર્માણ થાય છે. આ ભટકતી આત્માએ ૧૯૯૫માં પણ મહારાષ્ટ્રની યુતિની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો અને ૨૦૧૯માં આ આત્માએ જનતાના જનાદેશનું અપમાન કર્યું હતું. ૬૦ વર્ષ સત્તામાં રહ્યા બાદ પણ કૉન્ગ્રેસ જે ન કરી શકી એ અમે ૧૦ વર્ષમાં કર્યું છે. પુણે મેટ્રો, પુણે ઍરપોર્ટ, સમૃદ્ધિ મહામાર્ગ આધુનિક ભારતનું ચિત્ર છે. મહારાષ્ટ્રની જનતાને મોદીની ગૅરન્ટી છે કે તમને ટૂંક સમયમાં જ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા મળશે.’