મહા વિકાસ આઘાડીના જોડે મારા આંદોલન બાદ નારાયણ રાણેએ કહ્યું...
ગઈ કાલે BJPની ઑફિસમાં મીડિયાને સંબોધન કરતા નારાયણ રાણે.
રત્નાગિરિ-સિંધુદુર્ગના BJPના સંસદસભ્યએ શરદ પવારને પણ નિશાના પર લીધા
માલવણમાં આવેલા રાજકોટ કિલ્લા પરના છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડવાના વિરોધમાં વિરોધ પક્ષ મહા વિકાસ આઘાડીએ રવિવારે મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પર ‘જોડે મારા’ આંદોલન કર્યું હતું. આ વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રત્નાગિરિ-સિંધુદુર્ગના સંસદસભ્ય નારાયણ રાણેએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસ પર હુમલો કર્યો હતો. નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘૮૩ વર્ષના શરદ પવાર રાજ્યના સૌથી વરિષ્ઠ નેતા હોવા છતાં તેઓ મરાઠા સમાજને આરક્ષણ નથી અપાવી શક્યા. તેઓ શાંતિની વાતો કરે છે, પણ પેટ્રોલ અને માચીસ લઈને તૈયાર હોય છે. છત્રપતિ શિવાજીનું કોઈ અપમાન ન કરી શકે. કમનસીબે તેમનું પૂતળું તૂટી પડ્યું એમાં વિરોધ પક્ષો રાજકારણ રમી રહ્યા છે. વીર સાવરકરનું અપમાન કરનાર કૉન્ગ્રેસના હાથમાં હાથ મિલાવીને આંદોલન કરનારા ઉદ્ધવ ઠાકરે અમને શિવદ્રોહી કહેનારા કોણ? તેઓ કોણ છે? તેઓ નેતા કેવી રીતે હોઈ શકે? બાળાસાહેબ સ્વાભિમાની નેતા હતા. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને નાના પટોલે નકામા છે. તેઓ મહિલા પરના અત્યાચાર અને શિવાજી મહારાજના પૂતળા પર રાજકારણ કરી રહ્યા છે એ જનતા જોઈ રહી છે એટલે જનતા આ લોકોને મત નહીં આપે.’

