દિશા સાલિયનના મૃત્યુ મામલે નારાયણ રાણેએ કહ્યું…
નારાયણ રાણે
બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુના પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેનું નામ લાંબા સમયથી ચર્ચામાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રત્નાગિરિ-સિંધુદુર્ગના સંસદસભ્ય નારાયણ રાણેએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘દિશા સાલિયન પ્રકરણ વખતે મિલિંદ નાર્વેકરે ઉદ્ધવ ઠાકરેને ફોન લગાવીને આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મને કહ્યું હતું કે આદિત્યને સંભાળી લો, તમને પણ બે પુત્ર છે. મેં તેમને કહ્યું કે તમારા પુત્રને સાંજે સાત વાગ્યા પછી બહાર ન જવા દો.’
ઉલ્લેખનીય છે કે માલવણમાં આવેલા રાજકોટ કિલ્લા પર ઊભું કરવામાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડ્યા બાદ આ કિલ્લાની મુલાકાતે આદિત્ય ઠાકરે અને નારાયણ રાણે ગયા અઠવાડિયે ગયા ત્યારે જોરદાર રાડો થયો હતો. આ ઘટના પછીથી નારાયણ રાણે અને આદિત્ય ઠાકરે એકબીજાની ટીકા કરી રહ્યા છે. ગઈ કાલે નારાયણ રાણેએ દિશા સાલિયનના મૃત્યુના મામલામાં ફરી એક વખત આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાનો આડકતરી રીતે સંકેત આપીને આદિત્યની સાથે ઉદ્ધવ ઠાકરેને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.