આગમાં સાત લોકો ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે મ્યુનિસિપલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નાલાસોપારાની દ્વારકા હોટેલમાં આગ લાગતાં આવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
નાલાસોપારા-ઈસ્ટમાં સલોમી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દ્વારકા હોટેલમાં ગઈ કાલે બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ ગટરના કામમાં ગૅસ લીક થવાને કારણે ભીષણ આગ લાગી હતી. આગમાં સાત લોકો ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે મ્યુનિસિપલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને વાહનોની અવરજવર બંધ કરીને ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.દુકાનની આગળ છેલ્લા ઘણા દિવસથી ગટરનું કામ ચાલી રહ્યું હોવાથી શુક્રવારથી જ દુકાન બંધ પડી છે એમ જણાવીને દ્વારકા હોટેલની બાજુમાં આવેલા દેઢિયા સ્ટોરના રાજેશ મારુએ કહ્યું હતું કે ‘અમે તો આમ પણ નુકસાન વેઠી રહ્યા છીએ. આ આગની જ્વાળા વધુ હોવાથી હોટેલને ખૂબ નુકસાન થયું છે. જોકે અમારી દુકાનને કોઈ નુકસાન થયું નથી. ઇલેક્ટ્રિસિટી બંધ કરી હોવાથી લાઇટ નથી.’
સલોમી બિલ્ડિંગમાં રહેતા ગૌરવ રાયઠ્ઠઠાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે તો ઑફિસમાં હતા, પરંતુ ઘરવાળાઓએ જોરદાર અવાજ સાંભળતાંની સાથે જ નીચે ભાગ્યા હતા. સોસાયટીના લોકો બધા નીચે આવી ગયા હતા. વીજળી ન હોવાથી અનેક લોકો તેમના સંબંધીઓના ઘરે જતા રહ્યા છે, જ્યારે અમુક આસપાસના લોકોના ઘરે રહેવા ગયા છે.’