નાગપુર રમખાણનો માસ્ટરમાઇન્ડ નીતિન ગડકરી સામે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યો છે, ૫૦૦ મુસ્લિમોને મેસેજ કરીને બોલાવીને ઉશ્કેર્યા એમાં ફાટી નીકળ્યું હતું રમખાણ : પોલીસે ટોળાની ઉશ્કેરણી કરનારા ફહીમ ખાનની ધરપકડ કરીને બે દિવસની પોલીસ-કસ્ટડી મેળવી
નાગપુરના હંસપુરી વિસ્તારમાં બળીને ખાખ થઈ ગયેલી કાર અને બંધ રોડ તથા ચિટનીસ પાર્ક વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત અને ફહીમ ખાન
નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલા રમખાણનો માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાન હોવાનું જણાઈ આવતાં ગઈ કાલે નાગપુર પોલીસે તેની ધરપકડ કરીને બે દિવસની પોલીસ-કસ્ટડી મેળવી હતી. આરોપી ફહીમ ખાન માઇનૉરિટી ડેમોક્રૅટિક પક્ષનો શહેર અધ્યક્ષ છે. તે લોકસભાની ચૂંટણીમાં નીતિન ગડકરી સામે ચૂંટણી લડ્યો હતો અને માત્ર ૧૦૭૩ મત મેળવ્યા હતા. પોલીસે નોંધેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં એવું પણ જણાઈ આવ્યું છે કે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે બપોરના સમયે શિવાજીના પૂતળા પાસે ઔરંગઝેબના પ્રતીકાત્મક પૂતળાને આગ ચાંપી હતી. ત્યાર બાદ ફહીમ ખાને મુસ્લિમોને ૪ વાગ્યે શિવાજી મહારાજના પૂતળા પાસે જમા થવાના મૅસેજ કર્યા હતા એટલે સાંજના ૫૦૦થી ૬૦૦ મુસ્લિમો આ સ્થળે જમા થયા હતા. એ સમયે પોલીસે બધાને શાંતિ જાળવવાની અને ઘરે જવાની અપીલ કરી હતી. જોકે મુસ્લિમોના ટોળાએ પોલીસની વાત માની નહોતી. કેટલાક લોકોએ ‘અભી પુલિસ કો દિખાતે હૈં. ઇનકો ઔર કિસી ભી હિન્દુ કો છોડને કા નહીં. ઇન્હોંને હી સારા ખેલ કિયા હૈ. ઇન્હોંને હી યે સબ કિયા હૈ’ એવો સૂત્રોચ્ચાર કર્યો હતો. એને લીધે ટોળું ઉશ્કેરાયું હતું અને રમખાણ ફાટી નીકળ્યું હતું. લોકોએ વાહનોની તોડફોડ કરવાની સાથે કેટલાક લોકોના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હોવાનું પણ પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.



