ગોંદિયાના જગદીશ ઉકેને પકડવા નાગપુર પોલીસની દોડધામ
પ્રતીકાત્મક તસવીર
પ્લેનમાં બૉમ્બ મુકાયો છે એવી કે પછી એના જેવી અન્ય ધમકીઓ આપનારને નાગપુર પોલીસે ઓળખી કાઢ્યો છે અને હવે તેને પકડવા પોલીસની ટીમને ગોંદિયા મોકલવામાં આવી છે. તેણે આપેલી ધમકીઓને કારણે ફ્લાઇટોનું સઘન ચેકિંગ કરાતું હતું જેને કારણે ફ્લાઇટો મોડી પડતી હતી અને હજારો પૅસેન્જરોને હાલાકી ભોગવવી પડતી હતી. ઍરલાઇન્સનું ટાઇમટેબલ ખોરવાઈ જતું હતું. નાગપુર પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચે એ ધમકી મોકલનારા જગદીશ ઉકેને ઓળખી કાઢ્યો છે. આ જગદીશ ઉકેએ ટેરરિઝમ પર બુક લખી છે. તે ૨૦૨૧માં એક કેસમાં પકડાયો પણ હતો.
આ સંદર્ભે માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શ્વેતા ખેડકરે કહ્યું હતું કે ‘જગદીશ ઉકે ઘણીબધી સરકારી એજન્સીઓને ઈ-મેઇલ મોકલાવતો હોય છે; જેમાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ, રેલવે મિનિસ્ટર, મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, ઍર લાઇન્સની ઑફિસો, ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સને એ અવારનવાર ઈમેઇલ મોકલતો રહેતો હોય છે.’
જગદીશ ઉકેનો એવો દાવો છે કે તેણે ટેરરને લગતા સીક્રેટ કોડને ક્રૅક કર્યો છે અને એ બતાવવા માટે તેને તક આપવામાં આવે. તેણે એવી પણ ધમકી આપી હતી કે જો તેની આ માગણી નહીં સંતોષાઈ તો તે દેવેન્દ્ર ફડણવીસના નાગપુરના ઘર સામે વિરોધ-પ્રદર્શન કરશે. એથી દેવેન્દ્ર ફડણવીસના ઘર પર સિક્યૉરિટી વધારી દેવામાં આવી હતી. તેણે એવી પણ માગણી કરી હતી કે ધમકીને લગતી ઈ-મેઇલ સંદર્ભે તેને ઘણી જાણકારી છે અને એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરવા માગે છે. તેણે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સને પણ રેલવે-સ્ટેશનો પર લેવાતી સિક્યૉરિટી સંદર્ભે ઈ-મેઇલ કરી હતી. નાગપુર પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચની ટીમ જગદીશ ઉકેને પકડવા તેની શોધ ચલાવી રહી છે.