પરિણીત મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાના કેસમાં બહાર આવી નવી માહિતી
પ્રતીકાત્મક તસવીર
નાગપુરમાં પરિણીત મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવાના મામલામાં પોલીસે કરેલી તપાસમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. ધરપકડ કરવામાં આવેલા ૩૩ વર્ષના અબ્દુલ કુરેશીની પત્નીને પતિના ચરિત્ર પર શંકા હતી. પતિના બીજી યુવતીઓ સાથે શારીરિક સંબંધ હોવાની માહિતી પતિનો વૉટ્સઍપ નંબર હૅક કરીને પત્નીએ મેળવી હતી. બાદમાં પતિ જે યુવતી કે મહિલાના સંબંધમાં હતો તેમને મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અબ્દુલ કુરેશી સાથે સંબંધ રાખનારી કોઈ મહિલા કે યુવતીએ પોલીસમાં જવાની હિંમત નહોતી કરી. એવામાં ૧૯ વર્ષની યુવતી અબ્દુલ કુરેશીને શોધતી-શોધતી તેના ઘર સુધી પહોંચી ગઈ હતી ત્યારે અબ્દુલ કુરેશીની પત્નીએ આ યુવતીને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાની હિંમત આપી હતી. પ્રેમજાળમાં ફસાયેલી યુવતીએ નાગપુરના યવત પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અબ્દુલ કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં એવું પણ જણાયું છે કે આરોપી અબ્દુલ કુરેશી તેની પત્નીને અકુદરતી સેક્સ માણવા માટે મજબૂર કરતો હતો એટલે ૨૪ વર્ષની તેની પત્નીએ પોલીસ-સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. અબ્દુલ કુરેશીએ એકથી વધુ યુવતીઓ અને મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેમના ફોટો-વિડિયો લઈને બ્લૅકમેઇલ પણ કરતો હતો.
ADVERTISEMENT
અબ્દુલે ૧૯ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે સંબંધ કાપી નાખ્યા હતા. યુવતીએ સોશ્યલ મીડિયા અને બીજા માધ્યમથી અબ્દુલનું ઘર શોધી કાઢ્યું હતું. ત્યારે તે પત્ની સાથે રહેતો હોવાનું અને તેને એક પુત્ર હોવાનું જણાઈ આવ્યું હતું. યુવતીએ અબ્દુલની પત્નીને પોતાની વાત જણાવી હતી. ત્યારે તેને પતિનાં કરતૂતોની જાણ હતી એટલે પતિના પક્ષે રહેવાને બદલે યુવતીને સાથ આપ્યો હતો. પોલીસે અબ્દુલ કુરેશીની ધરપકડ કરી એ પહેલાં પત્નીએ અબ્દુલની જોરદાર મારપીટ કરી હતી અને તે પુત્ર સાથે પિયર જતી રહી હતી.

