છેલ્લા પંદર દિવસથી વારંવાર લાઇટો જતી રહેતી હોવાથી બિઝનેસને થઈ રહી છે અસર. બેસ્ટનું કહેવું છે કે પાવરનો વપરાશ વધી ગયો હોવાથી લાઇન પર લોડ વધી ગયો છે
પાવર ન હોવાથી ગઈ કાલે વેપારીઓએ ગરમીમાં હેરાન થવું પડ્યું હતું
સાઉથ મુંબઈમાં આવેલી નાગદેવી સ્ટ્રીટ, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી સમયાંતરે લાઇટો બંધ થઈ જતી હોવાથી આ વિસ્તારમાં આવેલા પાઇપ્સ ફિટિંગ્સ, બેલ્ટ, નટ-બોલ્ટ, બેરિંગ્સ અને મશીનરીના હોલસેલ વેપારીઓના બિઝનેસ પર બહુ મોટી અસર થઈ રહી છે.
આ બાબતની માહિતી આપતાં મુંબઈ નટ ઍન્ડ બોલ્ટ્સ અસોસિએશનના પ્રમુખ શશિકાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ જેવી આર્થિક રાજધાનીમાં મસ્જિદ બંદર પાસે આવેલી નાગદેવી સ્ટ્રીટ, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ, ભાજીપાલા લેન અને અન્ય વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી સમયાંતરે લાઇટો બંધ થઈ જાય છે. એને પરિણામે અમારા બિઝનેસ પર બહુ મોટી અસર થઈ રહી છે. આજે કમ્પ્યુટરનો જમાનો છે. બિઝનેસનાં બધાં જ કામ કમ્પ્યુટર પર થાય છે. અમારી ઑફિસો અને ગોડાઉનોમાં બધો જ કારોબાર કમ્પ્યુટર પર કરવામાં આવે છે. ઈ-વે બિલ બનાવવાં, જીએસટીનાં રિટર્ન્સ ભરવાં, ખરીદી અને વેચાણનો બધો જ વ્યવહાર કમ્પ્યુટર પર થાય છે. જોકે અવારનવાર દિવસમાં બેથી ત્રણ વાર લાઇટો આવ-જા કરતી હોવાથી ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બંધ થઈ જાય છે જે અમારા બિઝનેસના વ્યવહારને અવરોધે છે. અત્યારે મુંબઈમાં કાળઝાળ ગરમીમાં પંખા અને એસી અતિ મહત્ત્વનાં થઈ ગયાં છે. એ બંધ થઈ જવાથી અમે અને અમારા કર્મચારીઓ શાંતિથી કામ કરી શકતા નથી.’’
ADVERTISEMENT
અમે આ માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટમાં પણ અનેક વાર ફરિયાદ કરી છે એમ જણાવીને શશિકાંત શાહે કહ્યું હતું કે ‘અમને ત્યાંથી પણ સંતોષજનક જવાબ મળતો નથી. અમે લેખિતમાં પણ ફરિયાદ કરી છે, પરંતુ બેસ્ટમાંથી કોઈ જ પ્રત્યુત્તર નથી.’
આ બાબતે બેસ્ટના ફ્યુઝ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે પાવરનો વપરાશ વધી ગયો હોવાથી લાઇન પર લૉડ વધી ગયો છે જેને પરિણામે ફ્યુઝ ઊડી જવાના બનાવો વધી ગયા છે. આ સમસ્યા નાગદેવી પૂરતી નથી આખા સી વૉર્ડના રહેવાસીઓ અને વેપારીઓ એનો સામનો કરી રહ્યાં છે. અમે લૉડ વધારવા માગીએ છીએ, પણ વેપારીઓ પાસેથી ફીડર પિલ્લર લગાવવા માટે જોઈએ એવો સહકાર મળતો નથી.’