આ વખતે અજિત પવારને બોલવા દેવાશે કે નહીં એના પર સૌની નજર રહેશે
ફાઇલ તસવીર
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને પડકારવા માટે એનસીપી, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથના સમાવેશવાળી મહાવિકાસ આઘાડી દ્વારા રાજ્યભરમાં સાત વજ્રમુઠ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગર અને નાગપુર બાદ આજે મુંબઈમાં આવી ત્રીજી જાહેર સભા થશે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આજે આયોજિત કરવામાં આવેલી આ સભામાં મહાવિકાસ આઘાડી વતી કોણ-કોણ બોલશે અને સરકારને કયા મુદ્દે ઘેરશે એના પર સૌની નજર રહેશે.
આજે મુંબઈમાં મહાવિકાસ આઘાડીની ત્રીજી વજ્રમુઠ સભા થઈ રહી છે, પણ બીજેપીના વિધાનસભ્ય અને પ્રવક્તા નીતેશ રાણેએ બે દિવસ પહેલાં દાવો કર્યો હતો કે અત્યારે મહાવિકાસ આઘાડીમાં અનેક હલચલ થઈ રહી છે એટલે મહાવિકાસ આઘાડીની આ છેલ્લી વજ્રમુઠ સભા હશે. નીતેશ રાણેનો આ દાવો કેટલો સાચો ઠરશે એ તો આવનારો સમય જ કહેશે.
ADVERTISEMENT
બીજેપી-શિવસેના વચ્ચેનું વધેલું અંતર અમારા માટે શુભ સંકેત હતો
એનસીપીના ચીફ શરદ પવારની આત્મકથા ‘લોક માઝે સાંગાતી’ પુસ્તકનો બીજો ભાગ આવતી કાલે પ્રકાશિત થવાનો છે. આ પુસ્તકમાં શરદ પવારે અત્યંત ચોંકાવનારી વાતો કહી હોવાનું જાણવા મળ્યું છે. શરદ પવારે પુસ્તકમાં નોંધ્યું હોવાનું કહેવાય છે કે ૨૦૧૯માં બીજેપી અને શિવસેના વચ્ચેનું અંતર વધ્યું એ એનસીપી માટે શુભ સંકેત હતો. આ સિવાય બીજેપી રાજકીય વર્ચસ મેળવવા માટે શિવસેનાનું ખચ્ચીકરણ કરવા માગતી હતી એટલે યુતિ તૂટી અને મહાવિકાસ આઘાડીનો જન્મ થયો હોવાનું શરદ પવારે તેમના પુસ્તકમાં લખ્યું છે.
શરદ પવારે તેમની આત્મકથાના પુસ્તકમાં નોંધ્યું છે કે ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ૧૭૧ અને બીજેપી ૧૧૭ બેઠકો યુતિમાં લડી હતી. ૨૦૧૯માં ચિત્ર બદલાયું હતું અને શિવસેનાએ ૧૨૪ અને બીજેપીએ ૧૬૪ બેઠકો લડી હતી. બીજેપી સ્વબળે સત્તા મેળવવા માગતી હોવાથી તેણે વધુ બેઠક માગી હતી. શિવસેના સામે બળવો કરનારા નારાયણ રાણેને બીજેપીએ પોતાને પક્ષે કરીને શિવસેનાના જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું હતું. આ સિવાય નરેન્દ્ર મોદી અને અમિત શાહની બૉડીલૅન્ગ્વેજ પણ શિવસેના પ્રત્યે બહુ સહાનુભૂતિભરેલી નથી. આ જ કારણસર બીજેપી અને શિવસેના વચ્ચેનું અંતર વધી ગયું હતું.