ફૅશન મૉડલ મુનમુન ધામેચાએ ગઈ કાલે ૨૦૨૧ના ક્રૂઝ પર ડ્રગ્સ લઈ જવાના કેસમાંથી આરોપી તરીકે પોતાનું નામ હટાવવા માટે સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરી હતી.
શાહરુખ ખાનના દીકરાની જેમ ડ્રગ્સ-કેસમાં ક્લીન-ચિટ માટે મુનમુન ધામેચાની અપીલ
મુંબઈ (પી.ટી.આઇ.) : ફૅશન મૉડલ મુનમુન ધામેચાએ ગઈ કાલે ૨૦૨૧ના ક્રૂઝ પર ડ્રગ્સ લઈ જવાના કેસમાંથી આરોપી તરીકે પોતાનું નામ હટાવવા માટે સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરી હતી. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ક્લીન-ચિટ આપવામાં આવી હતી. ૨૦૨૧ના ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં એનસીબી દ્વારા આર્યન ખાન અને અન્ય લોકો સાથે મુનમુન ધામેચાની ડ્રગ્સના સેવન, કબજો અને હેરફેરના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. બન્નેને ૨૮ ઑક્ટોબર ૨૦૨૧ના બૉમ્બે હાઈ કોર્ટે જામીન આપ્યા હતા. ડ્રગ્સ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીએ મે ૨૦૨૨માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ પૂરતા પુરાવાના અભાવે આર્યન ખાન અને અન્ય પાંચ જણનું નામ લીધું નહોતું. જોકે એનસીબીના ડૉક્યુમેન્ટમાં મુનમુન ધામેચાનું નામ આરોપી તરીકે હતું. એનસીબીના જણાવ્યા મુજબ આરોપીના સામાનમાંથી પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો. મુનમુન ધામેચાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ગોવા જતી ક્રૂઝમાં તે સવાર થઈ ત્યારે ત્યાં તેની તપાસ કરવામાં આવી હતી અને ત્યારે તેના કબજામાંથી કોઈ ગુનાહિત પદાર્થ મળ્યો નહોતો.