રાજ ઠાકરેએ શુભેચ્છા આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ MNS સાથે નજદીકી વધારવાનો સંકેત આપ્યો
દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે
આમ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફોન કરીને શપથવિધિમાં આવવાનું આમંત્રણ આપ્યું હોવા છતાં તેઓ પર્સનલ કારણોસર હાજર નહોતા રહ્યા. જોકે તેમણે સોશ્યલ મીડિયા પર દેવાભાઉને શુભેચ્છા પાઠવી હતી.
ત્યાર બાદ ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે પણ એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાજ ઠાકરે સાથે મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુતિ કરવા તરફ ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘રાજ ઠાકરે અને અમારા વિચારો મોટા ભાગે સરખા જ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યાં શક્ય હશે ત્યાં અમે તેમને સાથે રાખીશું.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વિધાનસભાના ઇલેક્શન વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)એ જ્યાં શક્ય હોય ત્યાં MNSના ઉમેદવારને સપોર્ટ કરવાનું જાહેરમાં કહ્યું હતું. જોકે એકનાથ શિંદેની શિવસેનાએ માહિમ બેઠક પરથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની સામે સદા સરવણકરને ટિકિટ આપતાં મહાયુતિ સાથેના રાજ ઠાકરેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. રાજ ઠાકરેએ લોકસભાના ઇલેક્શન વખતે નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થન આપ્યું હોવાથી BJPનું કહેવું હતું કે આપણે પણ તેમના ઉમેદવારને સમર્થન આપવું જોઈએ, પણ શિવડી સિવાયની બેઠક પર શક્ય નહોતું થયું.
રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં કહ્યું હતું કે ‘રાજ્યમાં દેવેન્દ્રપર્વની શરૂઆત થઈ છે. મારા સ્નેહી અને ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના નેતા દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લીધા એ બદલ તેમને અભિનંદન. ૨૦૧૯માં તેમને આ તક મળવી જોઈતી હતી, પણ ત્યારે અને ૨૦૨૨માં જે રાજકીય ઘટના બની એને લીધે તક નહોતી મળી શકી. રાજ્યના લોકોએ જે અવિશ્વસનીય બહુમત આપ્યો છે એનો રાજ્ય માટે, અહીંના મરાઠી માણસો અને મરાઠી ભાષા તેમ જ સંસ્કૃતિના જતન કરવા માટે તમે ઉપયોગ કરશો એવી આશા રાખું છું.’

