હફ્તા વસૂલી શોમાં અશ્લીલતા અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ
મુનવ્વર ફારુકી
સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના વિવાદ બાદ હવે સ્ટૅન્ડ-અપ કૉમેડિયન મુનવ્વર ફારુકી તેના ‘હફ્તા વસૂલી’ શોને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. આ શોમાં અશ્લીલતાની સાથે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી હોવાનો આરોપ કરીને ઍડ્વોકેટ અમીતા સચદેવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને મુનવ્વર ફારુકી સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરી છે. શો પર પ્રતિબંધ મૂકવા માટે થોડા સમય પહેલાં હિન્દુ જનજાગૃતિ સમિતિએ પણ માગણી કરી હતી.
બિગ બૉસ-૧૭નો વિજેતા મુનવ્વર ફારુકી આજકાલ જિયો હૉટસ્ટારમાં પ્રસારિત થઈ રહેલા હફ્તા વસૂલી કૉમેડી શોમાં જોવા મળી રહ્યો છે. આ શો એક વ્યંગ સાથેની ન્યુઝરૂમ કૉમેડી છે જેમાં ટ્રેન્ડિંગ રાજનીતિક અને સાંસ્કૃતિક ઘટનાઓ પર મનોરંજનનો દૃષ્ટિકોણ બતાવવામાં આવે છે.
ADVERTISEMENT
હિન્દુ જનજાગૃતિ સમિતિએ હફ્તા વસૂલી શો પર પ્રતિબંધ મૂકતી માગણી કરી છે. સોશ્યલ મીડિયા અકાઉન્ટ એક્સમાં આ સમિતિએ પોસ્ટ કરી છે કે ‘અમે આ શો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગણી કરીએ છીએ. આ શોમાં મુનવ્વર અશ્લીલ ભાષા બોલે છે જે બિલકુલ સ્વીકાર્ય નથી. આવી ભાષાથી મૂલ્યોનું પતન થાય છે.’
ઉલ્લેખનીય છે કે હફ્તા વસૂલીનો પહેલો શો ૧૪ ફેબ્રુઆરીએ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કોવિડના પ્રોટોકૉલનો ભંગ અને ધાર્મિક લાગણી દુભવવાના આરોપસર ૨૦૨૧માં મુનવ્વર ફારુકી સહિત ચાર સ્ટૅન્ડ-અપ કૉમેડિયનની ધરપકડ કરવામાં આવી હતી.

