આપણું બજેટ અને સ્વાસ્થ્ય બગાડશે કમોસમી વરસાદ?
વેધર બ્યૂરોના જણાવ્યા મુજબ આજે પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે (તસવીર: આશિષ રાણે)
રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસતા વરસાદને કારણે શાકભાજી અને ફળોનાં વાવેતર ખરાબ થઈ રહ્યાં છે. અકાળે વરસાદની અસર થોડા દિવસો પછી શાકભાજી અને ફળોની સપ્લાય, ગુણવત્તા અને ભાવ પર પડશે એવો નિર્દેશ શાકભાજી અને ફળોના વેપારીઓ તરફથી મળી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે થોડા દિવસમાં ઓછી ગુણવત્તાનાં ફળ અને શાકભાજી માર્કેટમાં સસ્તામાં મળશે, પણ જો સારી ગુણવત્તાનાં શાકભાજી અને ફળ ખરીદવાં હશે તો એના માટે ઊંચા ભાવ ચૂકવવા પડશે.
આ બાબતની માહિતી આપતાં ગ્રેપ્સ ગ્રોવર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ સોપાન કાંચને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમોસમી વરસાદની સૌથી પહેલી અસર વાવેતર પર થાય છે. વરસાદને કારણે પાક ધોવાઈ જાય છે. દ્રાક્ષની મીઠાશ ઓછી થઈ જાય છે તેમ જ એમાં કાપા પડી જાય છે. છેલ્લા થોડા દિવસથી શરૂ થયેલા અનસીઝનલ વરસાદને કારણે ઑલમોસ્ટ ૩૦ ટકા દ્રાક્ષનો પાક ધોવાઈ ગયો છે. હવે જે પાક આવશે એ ખાટો-મીઠો પાક હશે જેની ખરીદી વેપારીઓ ઓછા ભાવથી કરે છે. એક અંદાજ પ્રમાણે જો માર્કેટમાં ૩૫ રૂપિયે કિલો દ્રાક્ષ ખરીદાતી હોય તો અત્યારની ગુણવત્તાની દ્રાક્ષ વેપારીઓ ભાવ તોડીને ૨૦ રૂપિયા કિલોએ ખરીદે છે. એનાથી દ્રાક્ષની વાવણી કરતા ખેડૂતોની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે. તેમણે બહુ મોટી નુકસાની ભોગવવી પડે છે.
ADVERTISEMENT
પુણેના ખેડૂત વિકાસ દરેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ઘણાં વર્ષોથી શાકભાજી અને દ્રાક્ષની વાવણી કરું છું. બે દિવસથી મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં શરૂ થયેલા વરસાદને કારણે અમારો બધો જ પાક ધોવાઈ જશે. દ્રાક્ષમાં હજી મીઠાશ આવી રહી હતી ત્યાં જ આ વરસાદે એ મીઠાશ ખતમ કરી દીધી છે. કુદરતની સામે સરકાર પણ મજબૂર છે. મહારાષ્ટ્રના ખેડૂતો બારે મહિનાના પાકનું વાવેતર કરતા હોય છે, પણ અમે આ સીઝનમાં સૌથી વધુ નુકસાન કરીશું. અમને ગઈ કાલથી જે રીતે મુશળધાર વરસાદ શરૂ થયો છે એમાં કશું જ સૂઝતું નથી. કોરોનાને કારણે એક્સપોર્ટ ઝીરો થઈ ગઈ છે. એવામાં આ કમોસમી વરસાદ અમને લઈ ડૂબશે તેમ જ લોકોને સારી ગુણવત્તાનાં શાકભાજી અને ફળ ખાવાં મળશે નહીં.’
ફક્ત શાકભાજી અને ફળને જ નહીં, ઘઉં જેવા પાકને પણ આ વરસાદથી બહુ નુકસાન થશે એમ જણાવતાં ઑલ ઇન્ડિયા વેજિટેબલ ગ્રોવર્સ અસોસિએશનના શ્રીરામ ગાધવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારથી શરૂ થયેલા સતત વરસાદને કારણે ઘઉંના પાકને પણ નુકસાન થયું છે. ઘણાં સ્થળોએ પાકને ૬૦થી ૭૦ ટકા નુકસાન થવાની સંભાવના છે. આ કમોસમી વરસાદને કારણે શાકભાજી અને ફળના પાકને જબરદસ્ત નુકસાન થશે. ખાસ કરીને પાલક, મેથી અને ધાણા જેવાં પાંદડાવાળાં શાકભાજી તેમ જ ટમેટાં, કાકડી, લસણ જેવા મહારાષ્ટ્રના મુખ્ય પાકને ડાઉની મિલ્ડયુ નામનો રોગ થવાની સંભાવના હોવાથી આ પાક ખાવાલાયક નહીં રહે. મુંબઈ અને દિલ્હી અમારી મેઇન માર્કેટ છે.’
અમારી હાલત અત્યારે સૌથી વધુ કફોડી છે એમ જણાવતાં સ્ટ્રૉબેરી ગ્રોવર અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ બાલાસાહેબ ભિલાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી વીસ દિવસ પહેલાં જ એક બહુ મોટી આશા સાથે ખેડૂતોએ સ્ટ્રૉબેરીનું વાવેતર કર્યું હતું જેના પર બે દિવસના વરસાદથી પાણી ફરી ગયું છે.
જો આવું જ વાતાવરણ રહેશે તો લોકોને સ્ટ્રૉબેરી જોવા મળશે કે નહીં એની અમને શંકા છે. જો વાતાવરણ સુધરી જશે તો પણ લોકોને સારી ગુણવત્તાની સ્ટ્રૉબેરી માર્કેટમાં બહુ ઓછી જોવા મળશે અને એના ભાવ પણ ઊંચા હશે.’
કયા પાકને શું અસર થશે?
દ્રાક્ષનો ૩૦ ટકા પાક ધોવાઈ ગયો છે અને જે બચ્યો છે એમાં મીઠાશ નહીં હોય તેમ જ કાપા પડી જવાનો ડર.
ગુરુવારથી પડી રહેલા વરસાદને લીધે અમુક જગ્યાએ ઘઉંના પાકને ૬૦થી ૭૦ ટકા નુકશાન થયું છે.
આમ તો મોટા ભાગના પાકને વરસાદને લીધે નુકશાન પહોંચ્યું છે પણ ખાસ કરીને પાલક, મેથી અને કોથમીર જેવાં પાંદડાવાળાં તેમ જ ટમેટાં, કાકડી, લસણના પાકને ઘણું નુકશાન થયું છે.

