રેસ્ટોરાં-મલ્ટિપ્લેક્સ અને રીટેલ શૉપ્સમાં ૨૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરનારા મુંબઈગરાઓને ૨૦ નવેમ્બરે રેસ્ટોરાં, મલ્ટિપ્લેક્સ અને કેટલીક રીટેલ શૉપ્સમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આથી આ દિવસે મુંબઈગરાઓને મજા પડી જશે. રાજ્યના ચૂંટણીપંચે શુક્રવારે મતદાન જાગૃતિ કરવા માટેના અભિયાનની શરૂઆત કરી હતી. મુંબઈના નોડલ ચૂંટણી-અધિકારી ફરોખ મુકાદમે કહ્યું હતું કે ‘મતદાન કરનારાઓને ડિસ્કાઉન્ટ આપવાની પહેલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ કરી હતી. તેમણે ૩૧ ઑક્ટોબરે મુંબઈનાં તમામ અસોસિએશન, ફેડરેશનના પ્રતિનિધિઓ અને વેપારીઓની બેઠક બોલાવી હતી જેમાં સૌએ એકમતે મતદાનને પ્રોત્સાહન આપવા માટે ડિસ્કાઉન્ટ આપવાની સંમતિ આપી હતી. હોટેલોના અસોસિએશન ઑફ હોટેલ ઍન્ડ રેસ્ટોરાંએ ૨૦ અને ૨૧ નવેમ્બરે આંગળી પર શાહી દેખાડનારાને ફૂડના બિલમાં ૧૦થી ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જોકે ઑનલાઇન ફૂડ મગાવનારાઓને કોઈ ડિસ્કાઉન્ટ નહીં આપવામાં આવે. આવી જ રીતે મહારાષ્ટ્ર રીટેલ અસોસિએશન અને રિલાયન્સ રીટેલ આઉટલેટ ૨૦ નવેમ્બરે ૧૦થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ મુંબઈમાં આવી જ ઑફર આપવામાં આવી હતી.