મુંબઈગરાઓ, છત્રી બહાર જ રહેવા દેજો હજી બે દિવસ વરસાદનો વરતારો
તસવીર: અલ્પા નિર્મલ
મુંબઈના હવામાને ગઈ કાલે સાંજે પલટો મારતાં મુંબઈગરાએ બિન મૌસમ બરસાતનો અનુભવ કર્યો હતો. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર પછી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું હતું અને સાંજે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં હલકાં ઝાપટાં પડવાનાં શરૂ થઈ ગયાં હતાં. વેસ્ટર્ન સબર્બ્સમાં ગોરેગામ, મલાડ, કાંદિવલી અને બોરીવલી સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. કલ્યાણ અને ડોમ્બિવલીમાં વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાવર-સપ્લાયને પણ અસર પહોંચી હતી અને પાવર કપાઈ ગયો હતો. હાર્બર લાઇનમાં માનસરોવર સ્ટેશન પાસે રાતે ૮.૧૦ વાગ્યે પાવર ટ્રિપ થતાં ટ્રેનો થંભી ગઈ હતી. જોકે મધ્ય રેલવેના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ઝડપથી ત્યાં ધસી જઈને સમારકામ હાથ ધરતાં થોડી વાર બાદ પાવર રીસ્ટોર થવાથી ટ્રેનો ચાલુ થઈ હતી.
કોલાબા વેધશાળાના જણાવ્યા અનુસાર પૂર્વમાંથી આવનારા પવનોમાં મોટા પ્રમાણમાં ભેજ હોય છે. આ ઉપરાંત હાલ ઉત્તરમાંથી પણ સતત ઠંડા પવનો વાઈ રહ્યા છે જેને કારણે આવી સ્થિતિ સર્જાય છે. હાલ એનું લોકેશન મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ છે; પણ એની અસર મુંબઈ અને કોંકણમાં પણ જોવા મળી રહી છે. આ બાબતે અમે સાંજના પાંચ વાગ્યાથી જ લોકોને અલર્ટ કરવાનું શરૂ કર્યું હતું. હાલની પરિસ્થિતિ જોતાં આવું જ થન્ડરસ્ટ્રોર્મનું હવામાન હજી બે દિવસ જોવા મળશે. એમાં મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરિ, પુણે, નાશિક અને ધુળેમાં કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાશે તથા વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડશે.

