અત્યારે આવા રહસ્યમય તાવે ડૉક્ટર્સને પણ અચંબામાં નાખી દીધા છે, પણ તેમનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી
પ્રતીકાત્મક તસવીર
અત્યારે શહેરની કેટલીક હૉસ્પિટલોમાં અસામાન્ય ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેમાં દરદીઓમાં વૅક્ટરજન્ય રોગો જેવાં લક્ષણો હોવા છતાં તેમનાં ટેસ્ટ રિઝલ્ટ્સ નેગેટિવ આવે છે. ડૉક્ટરો આ ફીવરના પ્રકારનું અવલોકન કરી રહ્યા છે અને તેમના મતે આ બહુ ચિંતાજનક બાબત નથી, કારણ કે મોટા ભાગના દરદીઓ થોડા દિવસમાં સ્વસ્થ થઈ જાય છે.
ડૉ. મોનિકા ગોયલે જણાવ્યું હતું કે ‘અમને દરદીઓમાં હાઈ બૉડી ટેમ્પરેચર, અતિશય થાક, સુસ્તી, રૅશિઝ, બૅક પેઇન, માથાનો દુખાવો અને આંખનો દુખાવો જોવા મળ્યો છે.’
ADVERTISEMENT
ડૉ. ગોયલ સેન્ટ્રલ મુંબઈની બે મોટી હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરે છે. તેઓ દરરોજ લગભગ ૨૦ દરદી તપાસે છે, જેમાં ૮થી ૯ વ્યક્તિમાં આવાં લક્ષણો જોવાં મળે છે. આ દરદીઓને થ્રોટ ઇન્ફેક્શન વગર કફ થયો હતો. ડૉ. ગોયલે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમ્યાન આપણે સામાન્ય રીતે શ્વસન સંબંધી બીમારીઓ વધારે જોઈએ છીએ, પરંતુ આ નવી પૅટર્ન છે.
ફીવરના આ અસામાન્ય ટ્રેન્ડની નોંધ બીએમસી સંચાલિત બીવાયએલ નાયર હૉસ્પિટલના ડૉ. ગિરીશ રાજધ્યક્ષે પણ લીધી હતી. તેમણે એવા કેસ જોયા છે જ્યાં દરદીઓમાં મલેરિયા, ડેન્ગી અથવા ચિકનગુનિયા જેવાં લક્ષણો જોવાં મળે છે, છતાં તેમનાં ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવે છે.
ડૉ. ગિરીશ રાજધ્યક્ષે જણાવ્યું હતું કે ‘આ ફીવરની અમે અન્ય ફ્લૂની જેમ જ સારવાર કરીએ છીએ. આ લક્ષણોનું કારણ ઓળખવું પડકારજનક બની શકે છે.’ તેમણે ભારપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે આ એકદમ સામાન્ય છે અને જ્યાં સુધી દરદીઓ સાજા થઈ રહ્યા છે ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી. દરેક વાઇરલ ઇન્ફેક્શનને લેબલ ન આપી શકાય.
કેઈએમ હૉસ્પિટલના માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉ. છાયા કુમારે કહ્યું હતું કે જે કેસમાં રૂટિન ટેસ્ટથી રોગનું સ્પષ્ટ નિદાન નથી થઈ શકતું એમાં ક્લિનિકવાળા વધુ તપાસ માટે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીને સૅમ્પલ મોકલે છે.