આવું કહીને સુરક્ષા-અધિકારીઓ સહિત બીજી તમામ સરકારી એજન્સીઓને દોડતી કરનાર મહિલા સામે પોલીસે ફરિયાદ નોંધી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઍરપોર્ટ પરના કન્ટ્રોલ-નંબર પર શનિવારે મોડી રાતે ફોન કરીને મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટમાં મોટી ગરબડ થવાની છે એવી ખોટી બાતમી આપી સુરક્ષા-અધિકારીઓને દોડતા કરનાર મહિલા સામે ગઈ કાલે સહાર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ફ્લાઇટને તાત્કાલિક રોકી દેવા માટેનો ફોન મહિલાએ કર્યો હતો એ પાછળનું કારણ પૂછતાં મહિલાએ કહ્યું હતું કે જો ફ્લાઇટ ઊડી તો એમાં મોટી ગરબડ થશે. આ ફોન બાદ પોલીસ સાથે તમામ સરકારી એન્જસીઓએ ફ્લાઇટની અંદર સહિત ઍરપોર્ટની તપાસ કરી હતી. જોકે કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું.
મહિલાએ જે નંબર પરથી ફોન કર્યો હતો એની વધુ માહિતી અમે કાઢી રહ્યા છીએ એમ જણાવતાં સહાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાતે ૧૨.૪૫ વાગ્યાની આસપાસ ઍરપોર્ટના કન્ટ્રોલ-નંબર પર એક મહિલાએ ફોન કર્યો હતો. તેણે મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટનો નંબર માગ્યો હતો. શા માટે એ જોઈએ છે એવો સવાલ પૂછતાં મહિલાએ કહ્યું હતું કે આ ફ્લાઇટને તાત્કાલિક રોકી દેવામાં આવે, કારણ કે ફ્લાઇટ મુંબઈથી ઊડી તો મોટી ગરબડ થઈ જશે. શું ગરબડ થશે એવો સવાલ પૂછવામાં આવતાં તેણે કહ્યું કે મારું કામ માત્ર તમને સજાગ કરવાનું હતું, આગળ હવે તમે જોઈ લો. તેણે એવું કહીને ફોન કટ કરી દીધો હતો. આ માહિતી મળ્યા બાદ ઍરપોર્ટની તમામ સિક્યૉરિટી એજન્સીઓને આ કૉલની માહિતી આપવામાં આવી હતી અને સાથે મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટની તપાસ પણ બારીકાઈથી કરવામાં આવી હતી. જોકે એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. અંતે ફોન કરનાર મહિલાએ ખોટી માહિતી આપીને સુરક્ષા-અધિકારીઓને કામે લગાડ્યા હોવાનું જાણવા મળ્યા બાદ તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.’