વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી કરવામાં વિલંબ શા માટે?
વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને સુધીર મુનગંટીવાર
બીજેપીના સિનિયર ધારાસભ્ય સુધીર મુનગંટીવારે ગુરુવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે નાણાં અને આયોજન વિભાગના વડાએ વિદર્ભ, મરાઠવાડા અને મહારાષ્ટ્રના બાકીના ભાગો માટે વૈધાનિક વિકાસ બોર્ડ રચવાનું વચન પાળ્યું નથી. ઇન્ચાર્જ સ્પીકરે નીચલા ગૃહની વિશેષાધિકાર સમિતિને આ નોટિસ મોકલી આપી છે અને એના રિપોર્ટના આધારે નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
અન્ય એક ઘટનામાં મુનગંટીવાર એ જાણવા ઇચ્છતા હતા કે એમવીએ ગઠબંધન મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન નોતરી રહ્યું છે કે કેમ. તેમણે જણાવ્યું હતું કે જો રાજ્યમાં સ્પીકર ચૂંટવામાં વિલંબ થાય અને એના પરિણામે બંધારણીય કટોકટી સર્જાતાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવે તો સરકારે બૂમરાણ ન મચાવવી જોઈએ.
ADVERTISEMENT
સોમવારે વિધાનભવન પહોંચેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર.
તેમણે જણાવ્યા પ્રમાણે સ્પીકરનો હોદ્દો હાલના ગૃહની માફક આટલા લાંબા સમય સુધી અગાઉ કદી પણ ખાલી રહ્યો નથી. એમવીએએ ઘણા ધારાસભ્યો કોરોના મહામારીને કારણે ગૃહમાં ઉપસ્થિત રહેવા માટે અસમર્થ હોવાથી બજેટ સત્રમાં ચૂંટણી ગોઠવવાનો નિર્ણય લીધો નથી.
આ ઉપરાંત, રાજ્ય કૉન્ગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય નાના પટોલેએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભંડોળના એકત્રીકરણ મામલે બીજેપીને સવાલ કરતાં ગૃહમાં ધાંધલ મચી ગઈ હતી. તેઓ રામ મંદિરના નામે પૈસા ઊઘરાવી રહ્યા છે, એમ જણાવીને પટોલેએ બીજેપીને છેલ્લાં ૩૦ વર્ષમાં ઊઘરાવેલા ભંડોળનો હિસાબ સુપરત કરવા જણાવ્યું હતું. તો સામે પક્ષે વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ખંડણી ઉઘરાવતી પાર્ટીને સમપર્ણ કોને કહેવાય એ નહીં સમજાય. જો તમને એમ લાગતું હોય કે આમાં કંઈ ખોટું થઈ રહ્યું છે તો એની ચર્ચાની માગ કરો. અમે તૈયાર છીએ આ મુદ્દે ચર્ચા કરવા.’

