દર વર્ષે ચોમાસામાં મુંબઈ કેમ ડૂબી જાય છે?
મૉનસૂન
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં ઊભી થતી પૂરની સ્થિતિ વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને પત્ર લખીને સવાલ કર્યો છે. મુંબઈને પૂરની સ્થિતિમાંથી બચાવવા પ્રયત્ન કરવો જોઈએ એમ તેમણે પત્રમાં લખ્યું છે. ચોમાસામાં પાણી ભરાવાને લીધે મુંબઈમાં દર વર્ષે લોકોના જીવ જવાની સાથે આર્થિક નુકસાન થાય છે, ઇમારતો તૂટી પડે છે અને રસ્તાઓ તૂટી જાય છે. મુંબઈની આવી સ્થિતિ બાબતે કાર્યવાહી કરીને આ સંકટમાંથી મુંબઈગરાઓને બચાવવાની જરૂર હોવાનું તેમણે કહ્યું છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી ચોમાસામાં મુંબઈમાં થોડા વરસાદમાં પણ પૂરની સ્થિતિ ઊભી થવાથી મુંબઈગરાઓ મુશ્કેલીમાં મુકાય છે. શહેરમાં ડ્રેનેજ વૉટર અને ગટરલાઇનનાં પાણીનું યોગ્ય આયોજન કરવાની સલાહ નીતિન ગડકરીને લખેલા પત્રમાં આપી છે. ગટરનાં પાણી પર પ્રક્રિયા કરીને એનો ફરી ઉપયોગ કરી શકાય એવી યંત્રણા ઊભી કરવાનું સૂચન પણ તેમણે કર્યું છે.
ADVERTISEMENT
ગડકરીએ પત્રમાં સૂચન આપતાં લખ્યું છે કે પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વરસાદનું પાણી, ડ્રેનેજ અને ગટરલાઇનનાં પાણીને થાણે તરફ વાળીને ડેમોમાં જમા કરાવી શકાય છે. અહીં પાણી પર પ્રક્રિયા કરીને નાશિક અને અહમદનગરના ખેડૂતોને ખેતી માટે પાણી આપી શકાય. આવી જ રીતે પૂરનાં પાણીને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં વાળી શકાય છે. મુંબઈમાં ચોમાસામાં પાણી ભરાવાને લીધે દર વર્ષે રસ્તાઓને મોટું નુકસાન થાય છે. પૂર ઓસરી ગયા બાદ પ્રશાસને સ્વચ્છતા, આરોગ્ય સેવાના કામ કરવા પડે છે. આ સમયે માલમતાને મોટા પ્રમાણમાં થતા નુકસાનનું સમારકામ કરવા માટે ધ્યાન નથી અપાતું. માત્ર રસ્તાઓનું સમારકામ કરીને તંત્ર બેસી જાય છે.
ગડકરીએ પત્રમાં એમ પણ લખ્યું છે કે પરંપરાગત રીતે બનાવાયેલા રસ્તા વધારે પડતા વરસાદ અને પૂરની સ્થિતિમાં ખરાબ થઈ જાય છે. આથી મુંબઈના બધા રસ્તાનું કૉન્ક્રીટીકરણ કરવાની જરૂર છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનું ઉદાહરણ આપણી સામે જ છે.

