૨૦૨૨માં વિવિધ કારણસર રેલ પરિસરમાં થયેલાં કુલ ૨૫૦૦ કરતાં વધુ મોત
ફાઇલ તસવીર
મુંબઈમાં લાઇફલાઇન વારંવાર ડેથલાઇન બનતી હોય છે, પણ એ માટે મુંબઈગરાની બેદરકારી જ જવાબદાર છે. આટઆટલી ઝુંબેશ છતાં પાટા ક્રૉસ કરીને ટ્રેન પકડવાની જે જલદી છે એને કારણે ગયા વર્ષે ૧૧૧૮ લોકોએ જીવ ગુમાવ્યા અને આમાં સૌથી વધારે બોરીવલી (૧૪૦) અને થાણે (૧૨૭)નું નામ આવે છે
ગયા વર્ષે લોકલ પકડવાની ઉતાવળમાં સૌથી વધુ લોકોનાં મોત થયાં છે તો પાટા ઓળંગવા જતાં ૧,૧૧૮ લોકો અને ચાલુ ટ્રેનમાંથી પડી જવાને કારણે ૭૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. ૨૦૨૨માં વિવિધ કારણોસર રેલ પરિસરમાં ૨,૫૦૭ લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી વધુ મૃત્યુ સેન્ટ્રલ રેલવેમાં નોંધાયાં છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા બહાર પાડવામાં આવેલા અને આરટીઆઇ દ્વારા સમીર ઝવેરીએ મેળવેલા આંકડાઓ મુજબ પાટા ઓળંગવાને કારણે સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તો સૌથી વધુ ઈજા ચાલતી ટ્રેનમાંથી પડી જવાને કારણે થઈ છે. આંકડાઓ મુંબઈનાં તમામ ૧૭ પોલીસ સ્ટેશનોના છે. એમાં કુલ ૧૧૭ રેલવે સ્ટેશનો આવેલાં છે જેમાંથી વેસ્ટર્ન રેલવેનાં ૩૭ અને સેન્ટ્રલ રેલવેનાં ૮૦ સ્ટેશનો છે.
ADVERTISEMENT
જીઆરપીના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે મુંબઈ સબર્બન રેલવેમાં ૨,૫૦૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૨,૧૫૫ લોકો ઘાયલ થયા હતા. એમાં ૧,૫૮૫ લોકો સેન્ટ્રલ અને ૯૨૨ લોકો વેસ્ટર્ન રેલવેમાં મૃત્યુ પામ્યા હતા. ૧૦૦ લોકોએ આત્મહત્યા કરી હતી તો ૫૩૧ લોકોનાં મૃત્યુ ટ્રેનોમાં અથવા સ્ટેશન પર મુસાફરી દરમ્યાન કુદરતી કારણોસર થયાં હતાં. ૧૧ લોકો ગૅપમાં પડી જવાને કારણે, ૧૨ થાંભલા સાથે અથડાવાને કારણે, ૧૧ લોકો વીજળીનો કરન્ટ લાગવાથી અને ૧૬ અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. ૧૭ લોકોનાં મૃત્યુનું કારણ જાણી શકાયુ નહોતું, કારણ કે તેમના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.
વિગતવાર અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે બોરીવલી, થાણે, કુર્લા અને વસઈમાં ટ્રૅક ઓળંગવાને કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. ૨,૧૫૫ ઈજાગ્રસ્તો પૈકી ૨૦૧ને આ ઈજા પાટા આળંગવા દરમ્યાન થઈ હતી. ૧,૦૨૬ લોકો ચાલતી ટ્રેનમાંથી પડી જવાને કારણે ઈજામાંથી બચી ગયા હતા.
સમીર ઝવેરીએ કહ્યું હતું કે ‘આપણે હજી પણ વધુ લોકોના જીવ બચાવી શકીએ એમ છીએ. મેં કરેલી અરજી બાદ બૉમ્બે હાઈ કોર્ટે સ્ટેશનના ઇમર્જન્સી મેડિકલ રૂમ ૨૪ કલાક ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો હતો. એમ છતાં આ આદેશનું પાલન થતું નથી. તાજેતરમાં મારી ફરિયાદ બાદ વેસ્ટર્ન રેલવેએ અચાનક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઘણાં સ્ટેશનો પર ઇમર્જન્સી મેડિકલ રૂમ રાતના આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી ૧૨ કલાક માટે બંધ હતા. એમની પાસેથી ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.’
રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આવા અકસ્માતોને રોકવા ફુટ ઓવરબ્રિજ બનાવવાનાં તેમ જ મુસાફરોને સમજ આપવાનાં કામો કરવામાં આવે છે. વેસ્ટર્ન રેલવેમાં ૧૪૬ ફુટ ઓવરબ્રિજ અને સેન્ટ્રલ રેલવેમાં ૨૯૬ ફુચ ઓવરબ્રિજ છે અને હજી વધુ બનાવવાની યોજના છે.’
પાટા ઓળગંવા જતાં થયેલાં મૃત્યુ
સ્ટેશન |
મરણાંક |
બોરીવલી |
૧૪૦ |
થાણે |
૧૨૭ |
વસઈ |
૧૧૩ |
કુર્લા |
૧૦૧ |
કલ્યાણ |
૯૯ |
વાશી |
૮૨ |