વેધશાળાની આગાહી મુજબ આજે પણ મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રીની આસપાસ રહેવાની સાથે વાદળિયું વાતાવરણ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
બે દિવસ સખત ગરમીમાં શેકાયા બાદ ગઈ કાલે પારો પાંચ ડિગ્રી જેટલો ઘટી જતાં, એમાં પણ પવન ફૂંકાતાં અને થોડાઘણા અંશે વાદળિયું વાતાવરણ રહેતાં મુંબઈગરાએ રાહતનો શ્વાસ
લીધો હતો. રામનવમીને કારણે ગઈ કાલે સરકારી ઑફિસો તથા બૅન્કોમાં જાહેર રજા હતી એટલે પીક અવર્સમાં રોજ કરતાં ઓછી ભીડ હતી. સોમવાર અને મંગળવાર બે દિવસ હીટવેવને કારણે મુંબઈના તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો જેમાં ગઈ કાલે ઘટાડો થયો હતો. મંગળવારે સાંતાક્રુઝમાં ૩૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ગઈ કાલે ઘટીને ૩૪.૭ ડિગ્રી નોંધાયું હતું. એ જ પ્રમાણે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં સૌથી વધુ તાપમાન નોંધાવનાર નવી મુંબઈના રબાળેમાં પણ બે દિવસ ૪૧ અને ૪૨.૮ ડિગ્રી નોંધાયા બાદ ગઈ કાલે ૭.૨ ડિગ્રીનો ઘટાડો જવા મળ્યો હતો. ગઈ કાલે રબાળેમાં પારો ઘટીને ૩૫.૬ ડિગ્રી પર પહોંચી ગયો હતો. વેધશાળાની આગાહી મુજબ આજે પણ મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રીની આસપાસ રહેવાની સાથે વાદળિયું વાતાવરણ રહેશે.
મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત્
રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. માલેગાંવ અને બીડમાં ૪૩.૨, જેઉરમાં ૪૩, જળગાવમાં ૪૨.૮ અને નાશિકમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.