Mumbai Water Cut: પીસ પાવર સબસ્ટેશનમાં અચાનક ટ્રાન્સફોર્મરમાં નિષ્ફળતાના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પાણી કાપ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai), થાણે (Thane) અને ભિવંડી (Bhiwandi)માં આ વિકએન્ડ પર એટલે કે શનિવાર અને રવિવારે પાણીમાં ૧૫ ટકા (Mumbai Water Cut)નો ઘટાડો થશે. પીસ પાવર સબસ્ટેશન (Pise Power Substation)માં અચાનક ટ્રાન્સફોર્મરમાં નિષ્ફળતાના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડતા ૨૦ બૂસ્ટર પંપમાંથી છ બંધ થઈ ગયા છે. મુખ્ય ટ્રાન્સફોર્મર (નં. 1)નું બી-ફેઝ કરંટ ટ્રાન્સફોર્મર અણધારી રીતે ફેલ થઈ જતાં આ સમસ્યા સર્જાઈ છે. આ ઘટના ૧૪ ડિસેમ્બર શનિવારના રોજ સવારે ૧.૦૦ વાગ્યે બની હતી.
આ નિષ્ફળતાના પરિણામે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation - BMC)એ મુંબઈ શહેર, તેના ઉપનગરો, થાણે અને ભિવંડી વિસ્તારોમાં પાણી પુરવઠામાં ૧૫ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડો શનિવાર, ૧૪ ડિસેમ્બરથી રવિવાર, ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
ADVERTISEMENT
બીએમસીના અધિકારીના જણાવ્યા અનુસાર, પીસ પાવર સબસ્ટેશનના મુખ્ય ટ્રાન્સફોર્મર (નં. 1)ના બી-ફેઝ કરંટ ટ્રાન્સફોર્મરમાં શુક્રવારે મધરાતે અચાનક બ્રેકડાઉન થયું હતું. પરિણામે, પીસ બૂસ્ટર સ્ટેશન પર કાર્યરત ૨૦ બૂસ્ટર પંપમાંથી છએ કામ કરવાનું બંધ કરી દીધું છે. રિપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વિકએન્ડ પર પાણીકાપ રહ્યા બાદ તે ફરી પુર્વવત થઈ જશે.
શનિવારે ૧૪ ડિસેમ્બરે અને રવિવારે ૧૫ ડિસેમ્બરે આમ બે દિવસ મુંબઈ, તેમજ થાણે અને ભિવંડી, જ્યાં BMC પાણી સપ્લાય કરે છે, તેમને ૧૫ ટકા પાણી કાપનો સામનો કરવો પડશે.
ખામીયુક્ત ટ્રાન્સફોર્મરનું સમારકામ હાલમાં ચાલી રહ્યું છે અને સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. BMCએ રહેવાસીઓને આ સમય દરમિયાન પાણીનો ઓછો ઉપયોગ કરવા વિનંતી કરી છે જેથી પુરવઠામાં ઘટાડો થવાને કારણે થતી કોઈપણ અસુવિધાને દૂર કરી શકાય.
નોંધનીય છે કે, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત તળાવો છે. તુલસી (Tulsi), તાનસા (Tansa), વિહાર (Vihar), ભાતસા (Bhatsa), મોડક સાગર (Modak Sagar), ઉચ્ચ વૈતરણા (Upper Vaitarna) અને મધ્ય વૈતરણા (Middle Vaitarna). તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર ૨૦૨૪ના મધ્ય સુધીમાં, મુંબઈના સાત મુખ્ય તળાવોમાં કુલ 14,25,128 મિલિયન લિટર પાણી સાથે 98.46% ક્ષમતા પર પાણીનો સ્ટોક હતો. આ ભારે વરસાદને કારણે થયું હતું જેના કારણે મધ્ય વૈતરણા, વિહાર અને મોડક સાગર સહિત અનેક તળાવો ઓવરફ્લો થઈ ગયા હતા. નોંધનીય છે કે, મુંબઈની દૈનિક પાણીની માંગ 4,505 મિલિયન લિટર (MLD) છે. દૈનિક ધોરણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) શહેરની દૈનિક પાણીની માંગના લગભગ 88% અથવા 3,975 MLD સપ્લાય કરે છે. તમને જણાવી દઈએ કે, મુંબઈને તેનો દૈનિક પાણીપુરવઠો પુરો પાડતા મોટા ભાગના તળાવો મુંબઈની બહાર અને પડોશી થાણે અને નાસિક જિલ્લામાં આવેલા છે.