એને કારણે કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી અને આ વિસ્તારના લોકોએ હાડમારી પણ ભોગવવી પડી
પ્રતીકાત્મક તસવીર
બીએમસી દ્વારા હાલ પાણીની મેઇન પાઇપલાઇનનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ૧૫ ટકા પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. એમ છતાં મુંબઈનાં વેસ્ટર્ન સબર્બ્સનાં છેવાડાનાં કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં ૪૦થી ૫૦ ટકા જોવા મળી હતી અને એ વિસ્તારના લોકોએ હાડમારી ભોગવવી પડી હતી.
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી પાંચ જળાશયો મુંબઈની બહાર છે અને એમાંથી જ મુંબઈની ૯૮ ટકા પાણીની જરૂરિયાત પૂરી કરાય છે. મુંબઈમાં એ પાણી સપ્લાય કરવા બે મેઇન પાઇપલાઇન છે. એમાંની એક પાઇપલાઇનમાં ગયા વર્ષે થાણેના વાગલે એસ્ટેટમાં આવેલા આઇટી પાર્ક પાસે ભંગાણ પડ્યું હતું. બીએમસીએ એનું ૩૧ માર્ચથી સમારકામ હાથ ધર્યું છે અને એ સમારકામ પૂરું થતાં એક મહિનો લાગી શકે એમ છે એટલે મુંબઈમાં હાલ ૧૫ ટકા પાણીકાપ જાહેર કરાયો છે. એ પછી ૩૦ માર્ચે થાણેના કોપરી બ્રિજ પાસે બીજી લાઇનમાં એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ના કામ વખતે ભંગાણ પડ્યું હતું. એનું પણ રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
૧૫ ટકા પાણીકાપ સમજી શકાય એમ છે; પણ ગઈ કાલે કાંદિવલી, બોરીવલી અને દહિસરના અનેક વિસ્તારોમાં પાણી ૪૦થી ૫૦ ટકા જેટલું ઓછું આવ્યું હોવાની ફરિયાદ ત્યાંના રહેવાસીઓ કરી રહ્યા હતા. આ બાબતે બીએમસીના ચીફ હાઇડ્રોલિક એન્જિનિયર પરસોત્તમ માળવદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેટલાક વિસ્તારોમાં પાણી ઓછું પહોંચ્યું છે એવી અમને પણ ફરિયાદ મળી છે. જોકે એનું કારણ એ છે કે પાણીકાપ હોવાથી પહેલેથી ઓછા પ્રેશરે પાણી આવે છે. એમાં છેવાડાનાં અને ઊંચાણવાળાં સ્થળોએ પાઇપલાઇન મારફત પાણી બીજી જગ્યાની સરખામણીએ ઓછું પહોંચતું હોવાથી અમુક વિસ્તારોમાં વધારે તકલીફ હોવાની ફરિયાદ અમને મળી છે અને એનું નિરાકરણ લાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)